લોકસભામાં હાર બાદ કોંગ્રેસ સામે વધુ એક સંકટ, મનમોહનસિંહ કદાચ…

નવી દિલ્હી- લોકસભા ચૂંટણીમાં ખરાબ રીતે હારનો સામનો કરનારી કોંગ્રેસ પાર્ટી પાસે માત્ર 52 સાંસદો જ રહ્યાં છે. જેથી હવે કોંગ્રેસને સંસદમાં વિપક્ષનો દરજ્જો પણ નહીં મળે. રાહુલ ગાંધી અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપવાની વાત પર અડગ રહ્યાં છે, જો તે રાજીનામું આપી દેશે તો પાર્ટીની કમાન કોન સંભાળશે તે સૌથી મોટો સવાલ છે. આ તમામ બાબતોની વચ્ચે મધ્યપ્રદેશ અને કર્ણાટકની રાજ્યસરકારો પર સંકટના વાદળો ઘેરાયા છે. કર્ણાટક કોંગ્રેસના નેતા કેએન રંજન્નાનું કહેવું છે કે, પીએમ મોદીના શપથ લેવા સાથે જ રાજ્ય સરકાર પડી જશે.

તો બીજી તરફ મધ્યપ્રદેશમાં કમલનાથ સરકારને સમર્થન આપી રહેલી બીએસપીના ધારાસભ્યનો આરોપ છે કે, ભાજપ તેમને 50 કરોડ રૂપિયાની ઓફર આપી રહી છે. પાર્ટી હાલ આ સંકટોનો સામનો કરી રહી છે, ત્યારે આગામી સમયમાં હરિયાણા, મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણી પણ યોજાનાર છે. જેથી કોંગ્રેસના અધ્યક્ષ જે કોઈ પણ બનશે તેમને સુસ્ત પડેલા કોંગ્રેસના કાર્યકર્તાઓમાં ફરીથી જોશ ફુંકવાનો મોટો પડકાર રહેશે. તો કોંગ્રેસ સામે વધુ એક મોટું સંકટ આવનાર છે. ભાજપ આગામી વર્ષ સુધી રાજ્યસભામાં પૂર્ણ બહુમત હાંસલ કરી લેશે ત્યાર બાદ તેમને તેમના એજન્ડાને લાગુ કરતા રોકવો સરળ નહીં હોય.

હાલમાં એનડીએ પાસે રાજ્યસભામાં 102 સભ્યો છે, જ્યારે કોંગ્રેસ નેતૃત્વ ધરાવતી યુપીએ પાસે 66 અને બંને ગઠબંધનથી બહારની પાર્ટીઓ પાસે 66 સભ્યો છે. એનડીએના ખાતામાં આગામી વર્ષે નવેમ્બરમાં લગભગ 18 સીટો વધુ જોડાઈ જશે. રાજ્યસભામાં બહુમત માટેની સંખ્યા 123 છે, અને ઉપલી સંસદના સભ્યોની ચૂંટણી રાજ્ય વિધાનસભાના સભ્યો કરે છે.

આગામી વર્ષે નવેમ્બરમાં ઉત્તર પ્રદેશમાં ખાલી થનારી રાજ્યસભાની 10માંથી મોટાભાગની સીટો પર ભાજપ જીત મેળવે તેવી શક્યતા છે. એમાંથી નવ સીટો વિપક્ષી દળો પાસે છે. એમાંથી 6 સમાજવાદી પાર્ટી પાસે, બે બહુજન સમાજ પાર્ટી પાસે અને એક કોંગ્રેસ પાસે છે. ઉત્તર પ્રદેશ વિધાનસભામાં ભાજપના 309 સભ્યો છે. સપાના 48, બસપાના 19 અને કોંગ્રેસના સાત સભ્યો છે. આવતા વર્ષ સુધીમાં ભાજપને અસમ, અરૂણાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઓડિશા, હિમાચલ પ્રદેશમાં સીટો મળશે. ભાજપ રાજસ્થાન, બિહાર, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં સીટો ગુમાવશે. મહારાષ્ટ્ર અને હરિયાણામાં વિધાનસભા ચૂંટણીના પરિણામોની પણ એનડીએની સીટ સંખ્યા પર અસર થશે. અસમની બે સીટો પર ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે, જ્યારે ત્રણ અન્ય સીટો રાજ્યમાં આવતા વર્ષ સુધીમાં ખાલી થઈ જશે. બીજેપી અને તેમના સહયોગી દળો પાસે રાજ્ય વિધાનસભામાં બે તૃતિયાંશ બહુમત છે. ઉપલી સંસદની લગભગ એક તૃતિયાંશ સીટો આ વર્ષે જૂન અને આગામી વર્ષે નવેમ્બરમાં ખાલી થશે. બે સીટો આવતા મહિને અસમમાં ખાલી થઈ જશે અને છ સીટો આ વર્ષે જૂલાઈમાં તમિલનાડુમાં ખાલી થઈ જશે. ત્યાર બાદ આગામી વર્ષે એપ્રિલમાં 55 સીટો ખાલી થશે. 5 સીટો જૂનમાં , 1 જૂલાઈમાં અને 11 નવેમ્બરમાં ખાલી થશે.

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ અસમથી રાજ્યસભાના સાંસદ છે, અને તેમનો કાર્યકાળ પણ જૂનમાં પૂર્ણ થવા જઈ રહ્યો છે. મનમોહન સિંહ જેવા નેતા જેને આર્થિક નીતિ પર નિપૂણતા પ્રાપ્ત છે, તેમની સંસદમાં ગેરહાજરી કોંગ્રેસ માટે એક મોટા ઝાટકા સમાન છે. અસમ વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોની જે સંખ્યા છે, તે હિસાબે મનમોહનસિંહની સીટ નહીં બચી શકે. રાજ્યસભાની ચૂંટણી 7 જૂનના રોજ છે, આ ઉપરાંત અસમથી જ વધુ એક કોંગ્રેસના રાજ્યસભા સાંસદ એસ કુજુર પણ 14 જૂને નિવૃત થઈ રહ્યાં છે. આ બેઠક પણ ભાજપના ખાતામાં જાય તેવી પૂર્ણ શક્યતા છે.

આગામી વર્ષે 22 રાજ્યોના 72 બેઠકો પર જ્યારે રાજ્યસભામાં ચૂંટણી થશે તો કોંગ્રેસ પાસે એક તક હશે કે તે મનમોહનસિંહને રાજ્યસભામાં મોકલી શકે, પરંતુ એના માટે કોંગ્રેસને જેડીએસની મદદ મળવી જરૂરી છે. અને તેમાંથી પણ એક કોંગ્રેસ અને જેડીએસને મનમોહનસિંહ કે એચડી દેવગોડામાંથી કોઈ એકની પસંદગી કરવી પડશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]