કોઝીકોડઃ આજે સાંજે દુબઈથી આવેલું એર ઈન્ડિયા એક્સપ્રેસનું વિમાન ભારે વરસાદ અને ઝાંખા પ્રકાશ વચ્ચે કેરળના કોઝીકોડ એરપોર્ટ પર લેન્ડિંગ કરતું હતું ત્યારે રનવે પર ઓવરશૂટ થઈ ગયું હતું. આ દુર્ઘટનામાં પાઈલટ સહિત ઓછામાં ઓછા 14 પ્રવાસીઓનાં મરણ નિપજ્યા છે. 15 પ્રવાસી ગંભીર રીતે ઘાયલ થયા હોવાનો પણ અહેવાલ છે. વિમાનમાં 184 પ્રવાસીઓ સવાર થયા હતા. અકસ્માતમાં વિમાનના આગલા ભાગના બે ટૂકડા થઈ ગયા હતા.
એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટ IX-1344 દુબઈથી આજે સાંજે 7.45 વાગ્યે કોઝીકોડ આવી પહોંચ્યા બાદ કારીપુર એરપોર્ટ પર લેન્ડ કર્યું હતું, પરંતુ રનવે પર વિમાન આગળ સરકી ગયું હતું.
વિમાનમાં 10 નવજાત શિશુઓ અને છ ક્રૂ મેમ્બર્સ સહિત 184 પ્રવાસીઓ હતા. આમાં બે પાઈલટનો પણ સમાવેશ થાય છે.
વિમાન 35 ફૂટ નીચે પછડાયું હતું. વિમાનના આગળના ભાગને નુકસાન થયું હતું, પરંતુ પાછળના ભાગમાં બેઠેલા પ્રવાસીઓ બચી ગયા હતા.
કોઝીકોડ ઈન્ટરનેશનલ એરપોર્ટ કારીપુર એરપોર્ટ તરીકે પણ ઓળખાય છે. આ ટેબલટોપ એરપોર્ટ છે.
ટેબલટોપ એરપોર્ટ હોવાને કારણે વિમાનને રનવે પર ઉતારવાનું અઘરું હોય છે.
વિમાન A737 બોઈંગ હતું અને એમાં આગ લાગી નહોતી.
15 એમ્બ્યુલન્સ દ્વારા ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા હતા.