કોરોના રસી માટે ભારતની સીરમ, ગેટ્સ ફાઉન્ડેશન વચ્ચે ભાગીદારી

બેંગલુરુઃ કોરોના વાઇરસના 10 કરોડ વેક્સિનના ડોઝના ઉત્પાદન તથા નિમ્ન તેમજ મધ્યમ આવકવાળા દેશોમાં આગામી વર્ષે ડિલિવરી કરવા માટે પુણે સ્થિત સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ GAVI (Global Alliance for Vaccines and Immunisation) અને બિલ એન્ડ મેલિંડા ગેટ્સ ફાઉન્ડેશનની સાથે કરાર કર્યો છે. કંપનીએ એક નિવેદનમાં કહ્યું હતું કે એસ્ટ્રાઝેનેકા અને નોવાવેક્સ સહિત વેક્સિન બનાવવાની સ્પર્ધામાં છે અને પ્રતિ રસીની કિંમત ત્રણ ડોલર હશે અને 92 દેશોમાં GAVIના કોવાક્સ એડવાન્સ માર્કેટ કમિટમેન્ટ (AMC)માં ઉપલબ્ધ કરાવવામાં આવશે. ગેટ્સ ફાઉન્ડેશન GAVIને નાણાં ઉપલબ્ધ કરાવશે, જેનો ઉપયોગ સિરમ ઇન્સ્ટિટ્યૂટને મદદ કરવા માટે કરવામાં આવશે.

ગરીબ દેશોમાં રસીકરણની પહોંચાડવાનું લક્ષ્ય

ગેટ્સ ફાઉન્ડેશન દ્વારા GAVIને ફંડ પૂરું પાડવામાં આવે છે- GAVI એક જાહેર-ખાનગી વૈશ્વિક ભાગીદારી (PPP) છે, જેનું લક્ષ્ય ગરીબ દેશોમાં રસીકરણની પહોંચાડવાનું છે. કોવાક્સ –કોવિડ19ની વેક્સિનને વિશ્વ આરોગ્ય સંસ્થા અને કોલિએશન ફોર એપિડેમિક પ્રિપેર્ડનેસ ઇન્નોવેશન્સ (CEPI)ની સાથે વિશ્વ સ્તરે ઝડપથી પહોંચાડવાની ગેરન્ટી આપવાની યોજના છે.

કોવાક્સનું લક્ષ્ય 2021ના અંત સુધી કોવિડ-19ના રોગચાળા સામે અસરકારક રીતે બે કરોડ ડોઝ તૈયાર કરી પહોંચાડાવાનું છે.

સીરમ સંસ્થાના મુખ્ય કાર્યકારી અધિકારી આદર પૂનાવાલાએ કહ્યું હતું કે કોરોનાની સામે જંગમાં જીતવા માટે સિરમ સંસ્થાએ GAVI અને બિલ એન્ડ મેલિંડા ગેટ્સ ફાઉન્ડેશનની સાથે હાથ મિલાવ્યા છે. GAVIના જણાવ્યા મુજબ સિરમ સંસ્થાને અપાનારી આર્થિક મદદ એને એસ્ટ્રાજેનેકા અને નોવાવેક્સને કોરોના વેક્સિન બનાવવામાં મદદ કરશે.