કોઝિકોડમાં વિમાન દુર્ઘટનાઃ પાઇલટ સહિત 19 જણનાં મોત, 171 ઘાયલ

કોઝિકોડઃ કેરળના કોઝિકોડમાં વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધી બે પાઇલટ સહિત કમસે કમ 19 લોકોનાં મોત થયાં છે અને 171 જણ ઇજાગ્રસ્ત થયા છે. હાલમાં ચારથી પાંચ જણની સ્થિતિ હજી પણ ગંભીર છે. મોડી રાત સુધી ત્રણ કલાક ચાલેલા રેસ્ક્યુ ઓપરેશનમાં બધા ઇજાગ્રસ્તોને વિમાનમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. આ ઘાયલોની સારવાર કોઝિકોડની અને મલપ્પુરમ જિલ્લાઓની અલગ-અલગ હોસ્પિટલોમાં ચાલી રહી છે, એમ અધિકારીઓએ કહ્યું હતું. એર ઇન્ડિયાના આ એરક્રાફ્ટમાં 174 પેસેન્જર્સ, 10 બાળકો, બે પાઇલટ અને ચાર કેબિન ક્રૂ સભ્યો હતા.

વંદેભારત વિમાન વરસાદને કારણે રનવે પર ફસક્યું

સિવિલ એવિયેશનપ્રધાન હરદીપ સિંહ પુરીએ જણાવ્યું હતું કે શુક્રવારે દુબઈથી આવી રહેલું એર ઇન્ડિયા એક્સપ્રેસનું વિમાન વરસાદને કારણે કોઝિકોડ એરપોર્ટ પર રનવેથી ફસકીને 35 ફૂટ નીચે પડ્યું હતું અને ત્રણ ભાગમાં તૂટી ગયું હતું. બોઇંગ 737 વિમાન દુબઈથી કાલીકટ પરત ફરી રહ્યું હતું. કોઝિકોડના કારીપુર એરપોર્ટના ટેબલટોપ રનવે નંબર 10 પર સાંજે 7.41 કલાકે ઊતરતી વખતે દુર્ઘટનાનો શિકાર થયું હતું. સારી વાત એ છે કે વિમાનમાં આગ નહોતી લાગી અને મોટા ભાગના પેસેન્જરોના જીવ બચી ગયા છે. વરસાદને કારણે અને ઓછો પ્રકાશ પણ આ વિમાન દુર્ઘટનાનું એક કારણ છે.

171 ઇજાગ્રસ્તોની સારવાર 13 વિવિધ હોસ્પિટલોમાં

પ્રાપ્ત માહિતી અનુસાર 171 ઇજાગ્રસ્તોની સારવાર કોઝિકોડ અને એની આસપાસની 13 વિવિધ હોસ્પિટલોમાં સારવાર ચાલી રહી છે. જોકે જે લોકોને ઓછી ઇજા થઈ હતી, તેમને સારવાર પછી તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવ્યા છે. હાલ 127 લોકોની સારવાર ચાલી રહી છે. આમાં એક ગર્ભવતી મહિલા અને ચાર બાળકો સહિત કુલ 23 લોકોની હાલત બહુ નાજુક છે.

વિમાન દુર્ઘટનાનાં કારણોની તપાસ

ફ્લાઇટ અકસ્માતની તપાસની એક ટીમ કોઝિકોડ પહોંચી ચૂકી છે અને બીજી એક ટીમ બપોરે બે કલાક સુધી પહોંચી જશે, જે વિમાન દુર્ઘટનાનાં કારણોની તપાસ કરશે.

કેરળના મુખ્ય પ્રધાન દુર્ઘટના સ્થળની મુલાકાત લેશે

કેન્દ્રીય સિવિલ એવિયેશનપ્રધાન હરદીપ સિંહ પુરી વિમાન દુર્ઘટના સ્થળની મુલાકાત લેશે. કેરળના મુખ્ય પ્રધાન પેન્નારી વિજયન કોઝિકોડની મુલાકાત લેશે. તેમણે હેલ્પલાઇન નંબર પણ ટ્વીટ કરીને જણાવ્યા હતા.

 

જાનમાલના નુકસાન અંગે વડા પ્રધાને નારાજગી વ્યક્ત કરી

એર ઇન્ડિયાની વિમાન દુર્ઘટના વિશે ટ્વીટ કરતાં વડા પ્રધાન મોદીએ જાનમાલના નુકકાસન પર નારાજગી વ્યક્ત કરી હતી.. તેમણે મુખ્ય પ્રધાન સાથે આ વિશે વાત કરી હતી. તેમણે વડા પ્રધાનને કહ્યું હતું કે IG અશોક યાદવની સાથે કોઝિકોડ અને મલપ્પુરમના જિલ્લા કલેક્ટરો સહિત અધિકારીઓની એક ટીમ એરપોર્ટ પર છે અને બચાવ કાર્યમાં ભાગ લઈ રહી છે.