વિરોધ બાદ VHPએ અડવાણી, જોશીને રામ મંદિરનું આમંત્રણ મોકલ્યું

નવી દિલ્હીઃ વિશ્વ હિન્દુ પરિષદે વધતા વિવાદને જોતાં મંગળવારે રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા સમારંભમાં સામેલ થવા માટે ભાજપના દિગ્ગજ નેતા લાલ કૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીને નિમંત્રણ પાઠવ્યું છે. આ ઘટનાક્રમ રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયની એ ટિપ્પણી બાદ થયેલી પ્રતિક્રિયા પછી આવ્યો છે, જેમાં તેમણે કહ્યું હતું કે બંને નેતાઓને તેમની વૃદ્ધાવસ્થાને કારણે સમારંભમાં ના આવવાની વિનંતી કરવામાં આવી છે.  

અયોધ્યામાં રામ મંદિર બનાવવાને લઈને આંદોલન કરનારા વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશી અને લાલકૃષ્ણ અડવાણી હતા. તેમને 22 જાન્યુઆરી 2024ના દિવસે રામ મંદિર ઉદઘાટન સમારંભમાં આવવાનું આંમત્રણ આપવામાં આવ્યું છે.

વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ આલોક કુમારે જણાવ્યું હતું કે રામ મંદિર આંદોલનના પ્રણેતા લાલકૃષ્ણ અડવાણી અને ડો. મુરલી મનોહર જોશીને અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં હાજરી આપવા આમંત્રણ મળ્યું છે. બંને વરિષ્ઠોએ કહ્યું હતું કે રામ મંદિર ઉદઘાટન સમારોહમાં આવવા માટે તેઓ પૂરો પ્રયાસ કરશે.

ઉત્તર પ્રદેશના અયોધ્યામાં 2024માં રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવાનો છે જેને લઈને રામ ભક્તોમાં ઉત્સાહ છે અને આ પ્રાણ પ્રતિષ્ઠામાં દેશભરમાંથી  નેતાઓ, ક્રિકેટર સહિત અનેક જાણીતી હસ્તીઓ પણ ઉપસ્થિત રહેશે ત્યારે હવે મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીને આ મહોત્સવમાં ન આવવાની અપીલ કરી છે.