જ્ઞાનવાપી કેસના કમિશનર વિશાલ સિંહને જીવનું જોખમ, CMને પત્ર લખ્યો

વારાણસીઃ જ્ઞાનવાપીના ભૂતપૂર્વ કોર્ટના કમિશનર વિશાલ સિંહે જીવનું જોખમ હોવાનું જણાવતાં મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથને પત્ર લખ્યો છે. તેમણે એક સમુદાય વિશેષથી જીવનું જોખમ હોવાનું જણાવ્યું હતું. વિશાલને પહેલાં સુરક્ષા મળી હતી, જેને હાલમાં દૂર કરવામાં આવી હતી. આ પત્રમાં તેમણે સુરક્ષા ફરીથી આપવાની માગ કરી હતી.

જ્ઞાનવાપીમાં ASI સર્વેથી પહેલાં કોર્ટે કમિશનર નિયુક્ત કરીને સર્વેનો આદેશ આપ્યો હતો. વિશાલ સિંહે સર્વેની કાર્યવાહી પૂરી કરીને રિપોર્ટ કોર્ટમાં સોંપ્યો હતો. એ રિપોર્ટને આધારે જ્ઞાનવાપીમાં ભારતીય આર્કિયોલોજી સર્વેક્ષણ (ASI)નો સર્વેનો આદેશ થયો હતો અને સર્વે પૂરો થઈ ચૂક્યો છે. વારાસણીની જ્ઞાનવાપી મસ્જિદ મામલે અંજુમને ઇન્તેજામિયા મસ્જિદ કમિટી અને અન્યની બધી પાંચ અરજીઓ પર અલાહાબાદ હાઇકોર્ટ મંગળવારે ચુકાદો આપશે. એ અરજીઓ વારાણસીની એક કોર્ટમાં લંબિત એક દીવાની એક અરજીને પડકાર આપતાં દાખલ કરવામાં આવી હતી. એ અરજીમાં વારાણસીની કોર્ટમાં આઠ એપ્રિલ, 2021ના એ નિર્દેશ ને પણ પડકારવામાં આવ્યો હતો, જેમાં જ્ઞાનવાપી મસ્જિદનો સર્વેક્ષણ કરાવવાના નિર્દેશ આપવામાં આવ્યો હતો.

આ પહેલાં આઠ ડિસેમ્બરે જસ્ટિસ રોહિત રંજન અગ્રવાલને અરજીકર્તા અંજુમન ઇતેજામિયા મસ્જિદ કમિટી અને ઉત્તર પ્રદેશ સુન્ની સેન્ટ્રલ વકફ બોર્ડ અને પ્રતિવાદી મંદિર પક્ષની દલીલો સાંભળ્યા પછી પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.