લોકસભામાંથી 41 સહિત અત્યાર સુધીમાં 141 સાંસદો સસ્પેન્ડ

નવી દિલ્હીઃ સંસદની સુરક્ષામાં ચૂક મામલે ગૃહપ્રધાનના નિવેદનની માગ કરી રહેલો વિપક્ષનો હંગામો જારી છે. લોકસભાના ચેરનું અપમાન કરનારા કેટલાય સાંસદોને આજે ફરીથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. એમાં  નેશનલ કોન્ફરન્સના ફારુક અબદુલ્લા, કોંગ્રેસના શશિ થરૂર અને કાર્તિ ચિદંબરમ, સપા સાંસદ ડિમ્પલ યાદવ અને NCP સાંસદ સુપ્રિયા સુળેનું નામ પણ સામેલ છે. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ કાર્યવાહીમાં અડચણ કરવા માટે આ સાસંદોને સસ્પેન્ડ કરી દીધા હતા.

લોકસભા-રાજ્યસભામાં હંગામાની વચ્ચે લોકસભામાં વિપક્ષના 49 સાંસદોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે, અત્યાર સુધી કુલ 141 લોકસભાના સાંસદોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. લોકસભાની કાર્યવાહીને બે વાગ્યા સુધી સસ્પેન્ડ કરી દેવામાં આવી છે.

સ્પીકર ઓમ બિરલાએ કહ્યું હતું કે એ મર્યાદિત આચરણ નથી. સંસદની ગરિમાને સૌએ જાળવી રાખવી પડશે. ત્યાર બાદ પણ વિપક્ષી સાંસદોએ હંગામો જારી રાખ્યો હતો.કોંગ્રેસે કહ્યું હતું કે સંસદમાં સવાલ પૂછવો ગુનો થઈ ગયો છે. મોદી સરકારે વિપક્ષના 92 સાંસદોને સસ્પેન્ડ કરી દીધા છે, કેમ કે તેઓ સવાલ પૂછી રહ્યા હતા. એ સાથે વિરોધમાં સંસદ સ્થિત ગાંદી પ્રતિમાની સામે વિપક્ષના સાંસદોએ વિરોધ નોંધાવ્યો હતો. આ પહેલાં સંસદ પુસ્તકાલય ભવનમાં ભાજપ સંસદીય દળની બેઠક થઈ હતી, જેમાં વડા પ્રધાન મોદી, સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ અને પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડા પણ હાજર હતા.