‘માસ્ક પહેરો, ભીડવાળી જગ્યાએ જવાનું ટાળો’: કર્ણાટકમાં સરકારે એડવાઇઝરી જાહેર કરી

દેશભરમાં કોરોનાના કેસોમાં નવા વધારાને ધ્યાનમાં રાખીને કર્ણાટક સરકારે મંગળવારે એક એડવાઈઝરી જાહેર કરી છે. જેમાં સરકારે 60 વર્ષથી વધુ ઉંમરના લોકો, અન્ય રોગોથી પીડિત લોકો, સગર્ભા સ્ત્રીઓ અને સ્તનપાન કરાવતી માતાઓએ બહાર જતી વખતે ચહેરા પર માસ્ક પહેરવા વિનંતી કરી છે. તેમજ લોકોને ભીડવાળા વિસ્તારોમાં જવાનું ટાળવાનું કહેવામાં આવ્યું છે. રાજ્યની આ એડવાઈઝરી કેન્દ્ર દ્વારા જાહેર કરાયેલ એડવાઈઝરીના એક દિવસ બાદ આવી છે. કેરળમાં JN.1 કોવિડ સબ વેરિઅન્ટ મળી આવ્યા પછી છેલ્લા કેટલાક દિવસોમાં કોવિડ સલાહ અને પગલાં પર વધુ ધ્યાન આપવામાં આવ્યું છે, જે ભારતમાં આ પ્રકારનો પ્રથમ કેસ છે.

સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યું કે કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. અમે ગઈકાલે એક દિવસ પહેલા એક મીટિંગ કરી હતી અને ગઈકાલે અમારી તકનીકી સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી. અમારા અધિકારીઓ અને નિષ્ણાતો વચ્ચે નિવારણ પગલાં વિશે ચર્ચા થઈ હતી. હાલમાં પડોશી રાજ્ય કેરળના લોકોની અવરજવર પર કોઈ પ્રતિબંધ નથી.કર્ણાટકની એડવાઈઝરીએ કેરળ અને તમિલનાડુની સરહદે આવેલા જિલ્લાઓમાં અધિકારીઓને સતર્ક રહેવા અને કોવિડ કેસના પૂરતા પરીક્ષણ અને સમયસર રિપોર્ટિંગની ખાતરી કરવા જણાવ્યું છે.

કેન્દ્ર સરકારે નવા સબવેરિયન્ટ JN1 અંગેની ચિંતાઓ પર તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સલાહ આપી છે. રાજ્યોને તમામ આરોગ્ય સુવિધાઓમાં જિલ્લાવાર ઈન્ફલ્યુએન્ઝા જેવી બિમારી (ILI) અને ગંભીર તીવ્ર શ્વાસોચ્છવાસની બિમારી (SARI) કેસોનું નિરીક્ષણ કરવા અને રિપોર્ટ કરવા માટે કહેવામાં આવ્યું છે.