ચૂંટણી પંચ આગામી સપ્તાહથી દેશમાં SIR શરૂ કરે એવી શક્યતા

નવી દિલ્હીઃ ચૂંટણી પંચ આગામી સપ્તાહે દેશમાં મતદાર યાદીનું પહેલું સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) શરૂ કરે એવી શક્યતા છે, એમ અધિકારીઓએ શનિવારે આ માહિતી આપી હતી. ચૂંટણી પંચ તેની શરૂઆત 10થી 15 રાજ્યોમાંથી થશે, જેમાં આવતા વર્ષે ચૂંટણી થનારાં રાજ્યો પણ સામેલ હશે.

આસમ, તામિલનાડુ, પુડુચેરી, કેરળ અને પશ્ચિમ બંગાળ એ એવાં રાજ્યો છે જ્યાં 2026માં ચૂંટણી થવાની છે અને જ્યાં મતદાર યાદીની સફાઈનું કામ સૌથી પહેલા શરૂ થશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ચૂંટણી અધિકારીઓ આગામી અઠવાડિયાના મધ્ય ભાગમાં SIRના પ્રથમ તબક્કાની જાહેરાત કરે એવી શક્યતા છે, જેમાં 10થી 15 રાજ્ય સામેલ હશે. તેમણે કહ્યું હતું કે ચૂંટણી પંચ એ રાજ્યોમાં મતદાર યાદીની સફાઈનું કામ નહીં કરે, જ્યાં સ્થાનિક ચૂંટણી ચાલી રહી છે અથવા થવાની છે, કારણ કે ત્યાંની ગ્રાઉન્ડ લેવલ પોલિંગ મશીનરી વ્યસ્ત છે અને કદાચ SIR પર ધ્યાન આપી શકશે નહીં. આવાં રાજ્યોમાં SIR પછીના તબક્કામાં થશે.

બિહારમાં મતદાર યાદીની સફાઈનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે, જ્યાં 30 સપ્ટેમ્બરે આશરે 7.42 કરોડનાં નામો ધરાવતી અંતિમ યાદી પ્રકાશિત કરવામાં આવી હતી. બિહારમાં બે તબક્કામાં 6 નવેમ્બર અને 11 નવેમ્બરે મતદાન થશે અને મતગણતરી 14 નવેમ્બરે થશે.

ચૂંટણી પંચ SIR રોલઆઉટ રોડમેપને અંતિમ રૂપ આપવા માટે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીઓ (CEOs) સાથે પહેલેથી જ બે બેઠક યોજી છે. ઘણા CEOsએ પોતાની છેલ્લી SIR પછી પ્રકાશિત થયેલી મતદાર યાદી તેમની વેબસાઇટ પર મૂકી દીધી છે.

SIRનો મુખ્ય હેતુ છે વિદેશી ગેરકાયદે વસાહતોની ઓળખ કરી તેમને મતદાર યાદીમાંથી દૂર કરવાનો છે. ખાસ કરીને તેમના જન્મસ્થળની તપાસ કરીને આ પગલું બાંગ્લાદેશ અને મ્યાનમાર સહિતનાં અનેક રાજ્યોમાં ગેરકાયદે વસાહતો સામેની કાર્યવાહી બાદ અત્યંત મહત્વપૂર્ણ બન્યું છે.