નવી દિલ્હીઃ એર ઇન્ડિયાની વધુ એક ફ્લાઇટમાં એક પેસેન્જરે ક્રૂ સભ્ય સાથે મારપીટ કરી છે. ગોવાથી દિલ્હી આવી રહેલી ફ્લાઇટમાં મારપીટ કરનાર પેસેન્જરને નવી દિલ્હી એરપોર્ટ પર સુરક્ષા કર્મચારીઓને હવાલે કરી દીધો હતો. આ ઘટના સોમવારે બની હતી.
એરલાઇને આ ઘટનાની માહિતી આપતાં જણાવ્યું હતું કે ગોવાથી એર ઇન્ડિયાના વિમાનમાં સવાર એક પેસેન્જરે ક્રૂના એક સભ્યની સાથે મારપીટ કરી હતી. એ પેસેન્જરને દિલ્હી એરપોર્ટ પર ઉતાર્યા પછી સુરક્ષા કર્મચારીઓને સોંપવામાં આવ્યો હતો. આ ઘટના ગોવાથી દિલ્હી જતી ફ્લાઇટ AI882માં બની હતી. એરલાઇને જણાવ્યું હતું કે આરોપી પેસેન્જરે પહેલાં ક્રૂના સભ્યો સાથે ગાળાગાળી કરી હતી. ત્યાર બાદ તેણે એક ક્રૂ સભ્ય પર હુમલો કર્યો હતો.પેસેન્જરે એ વ્યવહાર અને આક્રમકતા અકારણ બતાવી હતી. ત્યાર બાદ તેની સામે એરપોર્ટ ઓથોરિટીને રિપોર્ટ કરી દેવામાં આવ્યો હતો.
અમારા ચાલક દળ અને પેસેન્જરોની સુરક્ષા અમારા માટે મહત્ત્વની છે અને અમે યાત્રી કરેલા દુર્વ્યવહારની આકરી ટીકા કરીએ છીએ. અમે પ્રભાવિત ચાલક દળના સભ્યોને દરેક સંભવ મદદ કરીએ છીએ. DGCAના નિયમો હેઠળ એક અનિયંત્રિત પેસેન્જરને અલગ-અલગ- સમયગાળા માટે ઉડાન પ્રતિબંધ લગાવવામાં આવે છે. નિયમાનુસાર યાત્રીઓના અનિયંત્રિત વ્યવહારને ત્રણ સ્તરોમાં વર્ગીકૃત કરવામાં આવે છે.
એર ઇન્ડિયાએ આ મહિનાના પ્રારંભમાં 10 એપ્રિલે દિલ્હી-લંડન ફ્લાઇટમાં બે મહિલા કેબિન ક્રૂ સભ્યોને શારીરિક નુકસાન પહોંચાડનાર વ્યક્તિને બે વર્ષ માટે ફ્લાઇટમાં પ્રવાસ કરવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો.