રાહુલ ગાંધી દ્વારા EC પર મતચોરીના ગંભીર આક્ષેપો

0

નવી દિલ્હીઃ વિપક્ષના નેતા અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ ફરી એક વાર ચૂંટણી પંચ પર ચૂંટણીમાં ગેરરીતિ કરવાનો આક્ષેપ કર્યો છે. રાહુલ ગાંધીના આ આક્ષેપો પર ચૂંટણી પંચે પણ કડક પ્રતિક્રિયા આપી છે. પંચે રાહુલ ગાંધીને તેમના આક્ષેપો અંગે શપથપત્ર (સોગંદનામું) આપવાની માગ કરી છે. ચૂંટણી પંચે રાહુલના આક્ષેપોને ખૂબ જ ગંભીર ગણાવ્યા છે. પંચે કહ્યું છે કે આ પ્રકારના આક્ષેપો માત્ર હાઇકોર્ટમાં જ પડકારવામાં આવી શકે છે.

તેમણે કહ્યું કે મહારાષ્ટ્ર ચૂંટણીમાં ગેરરીતિ (ધાંધલી) કરવામાં આવી હતી. એક્ઝિટ પોલ કંઈક બીજું બતાવતા હતા જ્યારે પરિણામ કંઈક બીજું આવ્યું. મહારાષ્ટ્રમાં 40 લાખથી વધુ શંકાસ્પદ મતદારો હતા. ચૂંટણી પંચ આ લોકોને બચાવવાનું શા માટે પ્રયત્ન કરે છે? નકલી રીતે મતદાન કરાવવામાં આવ્યું હતું. ચૂંટણી પંચ અને ભાજપ વચ્ચે મિલીભગત છે. ચૂંટણી પંચ ઈલેક્ટ્રોનિક ડેટા શા માટે જાહેર કરતું નથી?

તેમણે વધુમાં કહ્યું હતું કે મહારાષ્ટ્રનાં પરિણામોએ મતચોરીની શંકાને વધુ મજબૂત બનાવી છે, કારણ કે પાંચ મહિનામાં પાંચ વર્ષથી વધુના મતદારો ઉમેરવામાં આવ્યા હતા. સાંજના પાંચ વાગ્યા પછી મોટા પાયે મતદાન થયું. અમે આ મુદ્દે ચૂંટણી પંચ સામે રજૂઆત પણ કરી હતી, પણ ચૂંટણી પંચ અમને ડિજિટલ મતદાર યાદી આપવાનો ઈનકાર કરે છે. ત્યાર બાદ અમારી ટીમે છ મહિનાથી દસ્તાવેજોની છણાવટ કરી અને ત્યાર બાદ આ પુરાવાઓ રજૂ કર્યા છે.

તેમણે વધુમાં કહ્યું કે અમારા આંતરિક સર્વે અનુસાર કર્ણાટકમાં અમે 16 બેઠકો જીતવાનું અનુમાન લગાવ્યું હતું, પણ વાસ્તવમાં માત્ર નવ બેઠકો જ જીતી શક્યા.