રામ મંદિરના ભૂમિપૂજનમાં PM સહિત 50 VIP હાજર રહેશે

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશના અયોધ્યામાં પાંચમીઓગસ્ટે રામ મંદિરના ભૂમિપૂજન માટે ભવ્ય તૈયારીઓ ચાલી રહી છે. રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે જણાવ્યા મુજબ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભૂમિપૂજન કરશે. વડા પ્રધાન મોદી પાંચમી ઓગસ્ટે સવારે 11 કલાકે અયોધ્યા પહોંચશે. ભૂમિપૂજન કાર્યક્રમ ત્રણથી ચાર કલાક સુધી ચાલશે. એ પ્રસંગે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે, બિહારના મુખ્ય પ્રધાન નીતિશકુમાર સહિત 50 જેટલા VIPઓ હાજર રહેશે. વડા પ્રધાન પાંચમી ઓગસ્ટે થનારા શિલાન્યાસમાં 40 કિલો ચાંદીની પવિત્ર ઈંટ મૂકશે, એમ રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે જણાવ્યું છે.

રામ મંદિરના ભૂમિ પૂજનમાં ચાંદીની ઈંટ

સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલા ટ્રસ્ટના પ્રમુખ નૃત્યગોપાલદાસે કહ્યું હતું કે વડા પ્રધાન દ્વારા રામ મંદિરના ભૂમિ પૂજનમાં ચાંદીની ઈંટ મૂકવામાં આવશે. મુખ્ય કાર્યક્રમ પહેલાં ત્રણ દિવસ વૈદિક મંત્રોચ્ચારથી વિધિ કરવામાં આવશે.

સલામતીનાં કારણોસર VIPની યાદી મર્યાદિત

દેશમાં પ્રસરી રહેલા કોરોના વાઇરસને કારણે આ કાર્યક્રમ બે મહિના મોડો યોજવામાં આવી રહ્યો છે. આ કાર્યક્રમમાં 50 મહાનુભાવો ભાગ લેશે. સલામતીનાં કારણોસર VIPsની યાદીને મર્યાદિત રાખવામાં આવી છે. ટ્રસ્ટે કહ્યું છે કે અયોધ્યામાં શ્રદ્ધાળુઓ આ કાર્યક્રમને જોઈ શકે એ માટે વિશાળ CCTV સ્ક્રીનો બેસાડી દેવામાં આવી છે.

ભાજપના તમામ વરિષ્ઠ નેતાઓને આમંત્રણ

રામ મંદિરના આંદોલન સાથે સંકળાયેલા ભાજપના તમામ વરિષ્ઠ નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યાં છે. આ યાદીમાં લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી, વિનય કટિયાર, સાધ્વી ઋતંભરાનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ પણ ભાજપના વરિષ્ઠ નેતાઓની સાથે ભૂમિપૂજન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવત સહિત અનેક સિનિયર નેતાઓ પણ ઉપસ્થિત રહેશે.

રામ મંદિર આડેના અવરોધ શિવસેનાએ દૂર કર્યાઃ સંજય રાઉત

ભાજપ સાથેના 35 વર્ષના જોડાણનો અંત લાવનાર શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા પછી તાજેતરમાં જ અયોધ્યાની મુલાકાત લીધી હતી. પાર્ટીના સંસદસભ્ય સંજય રાઉતે પણ કહ્યું હતું કે શિવસેનાએ રામ મંદિરના નિર્માણ આડેના અવરોધોને દૂર કર્યા છે.  

અનલોક-2માં કામ્ચલાઉ મંદિરને ખોલાયું

દેશમાં અનલોક-2માં કેન્દ્ર સરકાર દ્વારા ધાર્મિક સ્થળોને ફરી ખોલવાની મંજૂરી આપવામાં આવ્યા બાદ અયોધ્યામાં બનાવવામાં આવેલા કામચલાઉ રામ મંદિરને ગઈ આઠમી જૂનથી ખુલ્લું મૂકવામાં આવ્યું છે.