રાજસ્થાનમાં 46 વિધાનસભ્યો સામે ક્રિમિનલ કેસ નોંધાયા છે

જયપુરઃ રાજસ્થાનમાં 199 વિધાનસભ્યોનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. એમાંથી 46 જણ સામે વિવિધ પોલીસ સ્ટેશનોમાં ક્રિમિનલ કેસ નોંધવામાં આવ્યા છે. આમાંના 28 જણ સામેના કેસ ગંભીર પ્રકારના છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રીફોર્મ્સ (ADR) અને રાજસ્થાન ઈલેક્શન વોચ નામક સંસ્થાઓએ તૈયાર કરેલા અહેવાલમાં હકીકતો જણાવવામાં આવી છે.

આ સંસ્થાઓએ રાજ્યના વર્તમાન 200 વિધાનસભ્યોમાંથી 199 જણના ગુનાખોરી, આર્થિક તથા અન્ય પાર્શ્વભૂમિને લગતી વિગતોનું વિશ્લેષણ કર્યું છે. એક વિધાનસભ્ય સામે હત્યાનો કેસ નોંધાયો છે જ્યારે ચાર જણ સામે હત્યાના પ્રયાસ સંબંધિત કેસો છે. 157 વિધાનસભ્યો કરોડપતિ છે અને આમાંના 88 જણ શાસક કોંગ્રેસ પાર્ટીના છે. હાલની વિધાનસભામાં, ઉદયપુરની એક બેઠક ખાલી પડેલી છે. રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી 25 નવેમ્બરે નિર્ધારિત છે. મતગણતરી અને પરિણામ માટે 3 ડિસેમ્બરનો દિવસ નક્કી કરાયો છે.