દેશમાં 10 રાજ્યોની 31 વિધાનસભા, એક લોકસભા સીટ પર પેટા ચૂંટણી

નવી દિલ્હીઃ ઝારખંડમાં પહેલા તબક્કાની 43 સીટોની સાથે 10 રાજ્યોની 31 વિધાનસભાની અને કેરળની વાયનાડ લોકસભા સીટ પર પેટા ચૂંટણી યોજાઈ છે. વાયનાડ લોકસભા સીટ પર પેટા ચૂંટણી રાહુલ ગાંધીએ આ સીટ છોડીને રાયબરેલી સીટ પસંદ કરવાને લીધે થઈ રહી છે. તેમની બહેન પ્રિયંકા ગાંધી અહીંથી કોંગ્રેસી ઉમેદવાર છે.

આ ઉપરાંત 10 રાજ્યોની 31 વિધાનસભા સીટો પર પેટા ચૂંટણી થઈ રહી છે, જેમાં રાજસ્થાનની સાત, પશ્ચિમ બંગાળની છ, આસામની પાંચ, બિહારની ચાર, કર્ણાટકની ત્રણ, મધ્ય પ્રદેશની બે અને છત્તીસગઢ, ગુજરાત, કેરળ અને મેઘાલયની એક-એક બેઠક પર આજે પેટા ચૂંટણી યોજાશે. મતગણતરી 23 નવેમ્બરે થશે.બિહારમાં રામગઢ, તરરી, ઈમામગંજ અને બેલાગંજ સીટો પર પેટા ચૂંટણી છે. JDS નેતા નિખિલ કુમારસ્વામી કર્ણાટકના ચન્નાપટનાથી ચૂંટણી લડી રહ્યા છે. આ સીટ તેમના પિતા અને કેન્દ્રીય મંત્રી એચડી કુમારસ્વામીના લોકસભામાં ચૂંટાયા બાદ ખાલી પડી છે. ભાજપે પૂર્વ CM બસવરાજ બોમ્માઈના પુત્ર ભરત બોમ્માઈને શિગગાંવથી મેદાનમાં ઉતાર્યા છે. તેમનો મુકાબલો કોંગ્રેસના ઉમેદવાર યાસિર અહેમદ ખાન પઠાણ સાથે થશે.

મધ્ય પ્રદેશની બુધની અને વિજયપુર વિધાનસભા બેઠકો પર પણ મતદાન થશે. કોંગ્રેસના ધારાસભ્ય રામનિવાસ રાવત ભાજપમાં જોડાયા અને મોહન યાદવ કેબિનેટમાં મંત્રી બનાવવામાં આવ્યા બાદ શ્યોપુર જિલ્લાની વિજયપુર બેઠક પર પેટાચૂંટણી જરૂરી બની ગઈ હતી. બુધની બેઠક પર પેટાચૂંટણી યોજાઈ રહી છે, કારણ કે ધારાસભ્ય અને ભૂતપૂર્વ CM શિવરાજ સિંહ ચૌહાણ લોકસભામાં ચૂંટાયા છે અને હવે કેન્દ્રીય કૃષિ મંત્રી છે.