નાગપુર: ઔરંગઝેબ મકબરાના વિવાદને લઈને સોમવારે રાત્રે 8:30 વાગ્યે નાગપુરના મહેલ વિસ્તારમાં હિંસા ફાટી નીકળી હતી. વિશ્વ હિન્દુ પરિષદ (VHP) એ મુઘલ સમ્રાટ ઔરંગઝેબના પૂતળાનું દહન કરીને તેમની કબર તોડી પાડવાની માંગ કરી. આ પછી પથ્થરમારો અને તોડફોડ શરૂ થઈ ગઈ.તોફાનીઓએ ઘરો પર પથ્થરમારો કર્યો અને રસ્તાની બાજુમાં આવેલા વાહનોને આગ ચાંપી દીધી. પોલીસ પર પણ હુમલો થયો. કુહાડીથી હુમલામાં ડી.સી.પી. નિકેતન કદમ ઘાયલ થયા. પરિસ્થિતિને કાબુમાં લેવા માટે ટીયર ગેસના શેલ છોડવામાં આવ્યા હતા અને 55થી વધુ લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા.
પોલીસ કમિશનર રવિન્દ્ર સિંઘલે જણાવ્યું હતું કે શહેરમાં BNSની કલમ 163 (IPCની કલમ 144ની જેમ) લાગુ કરવામાં આવી છે. તે જ સમયે, મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે 20 પોલીસ ટીમો બનાવવામાં આવી છે.
બીજી તરફ, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મોડી રાત્રે રાજ્ય ભાજપ પ્રમુખ અને કેબિનેટ મંત્રી ચંદ્રશેખર બાવનકુલે સાથે બેઠક યોજી હતી. આ પછી બાવનકુલે નાગપુર જવા રવાના થયા. મુખ્યમંત્રીએ તેમને ઘટનાનો અહેવાલ રજૂ કરવા કહ્યું છે. છત્રપતિ સંભાજીનગરમાં ઔરંગઝેબના મકબરા પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. એ.સી.પી.એ જણાવ્યું હતું કે જિલ્લામાં એક કંપની અને SRPFની બે પ્લાટૂન તૈનાત કરવામાં આવી છે.
