મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારે એક ઠરાવ પસાર કર્યો છે અને રાજ્યના ગવર્નર ભગતસિંહ કોશિયારીને કહ્યું છે કે તેઓ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને વિધાન પરિષદના સદસ્ય (MLC) તરીકે નિયુક્ત કરે, કારણ કે કોરોના વાઈરસના ફેલાવાને કારણે ચૂંટણી પંચે વિધાન પરિષદની ચૂંટણી મુલતવી રાખી છે.
શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે હાલ રાજ્ય વિધાનસભાના સદસ્ય (MLA) નથી એટલે એમણે નિયમાનુસાર મુખ્ય પ્રધાનનો હોદ્દો સંભાળ્યાના છ મહિનાની અંદર વિધાનસભ્ય બની જવું પડે. એમણે ગયા વર્ષના નવેંબરમાં મુખ્ય પ્રધાન પદ સંભાળ્યું હતું. જો તેઓ વિધાનસભ્ય બની ન શકે તો એમણે હોદ્દા પરથી રાજીનામું આપવું પડે.
ઉલ્લેખનીય છે કે રાજ્યપાલ પોતાના ક્વોટામાંથી ઉદ્ધવ ઠાકરેને રાજ્ય વિધાન પરિષદના સભ્ય તરીકે નિયુક્ત કરી શકે છે. મહારાષ્ટ્ર કેબિનેટે રાજ્યપાલને આમ કરવાની ભલામણ કરી છે.
આજે યોજાઈ ગયેલી મહારાષ્ટ્ર કેબિનેટની બેઠકમાં ઠાકરે હાજર રહ્યા નહોતા. બેઠકનું અધ્યક્ષપદ નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે સંભાળ્યું હતું.
મહારાષ્ટ્રમાં હાલ 3 પક્ષોની સંયુક્ત સરકાર છે – શિવસેના, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસ. ગયા વર્ષે ખૂબ લંબાઈ ગયેલા અને નાટ્યાત્મક બની ગયેલા રાજકીય જંગને અંતે આ ત્રણ પાર્ટી મહાવિકાસ આઘાડી નામે નવું ગ્રુપ બનાવીને સત્તા પર આવી હતી.
મહારાષ્ટ્રમાં હાલ કોરોના વાઈરસે કાળો કેર વર્તાવ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં આ રોગના 1,135 કેસો નોંધાયા છે અને 72 જેટલા લોકો મૃત્યુ પામ્યા છે.