કોરોના સંકટઃ મુંબઈમાં હવે જાહેર સ્થળે જતી વખતે ફેસ માસ્ક પહેરવાનું ફરજિયાત

મુંબઈઃ કોરોના વાઈરસના રોગચાળાનો મુકાબલો કરવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ આજે એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. શહેરમાં હવે જાહેર સ્થળે જતી વખતે મોઢા પર માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવી દેવામાં આવ્યું છે.

કોઈ પણ વ્યક્તિગત કામ હોય કે ઓફિસનું કામ હોય, કોઈ પણ કારણ માટે જાહેર સ્થળે જતી વખતે મોઢા પર માસ્ક પહેરવાનું મુંબઈમાં બંધનકર્તા બનાવી દેવામાં આવ્યું છે.

જે વ્યક્તિએ માસ્ક પહેર્યો નહીં હોય એની પોલીસ ધરપકડ કરી શકશે.

મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર પ્રવીણ પરદેસીએ આ આદેશ આજે બહાર પાડ્યો છે.

મહારાષ્ટ્રમાં લાગુ કરવામાં આવેલા ‘સાથરોગ પ્રતિબંધાત્મક કાયદા, 1897’ અનુસાર, ‘મહારાષ્ટ્ર કોવિડ-19 ઉપાયયોજના નિયમ 2020’ અન્વયે મહાપાલિકા કમિશનરને આપવામાં આવેલા અધિકારનો ઉપયોગ કરીને પ્રવીણ પરદેસીએ આ આદેશ જારી કર્યો છે.

મુંબઈ મહાનગરપાલિકા (બીએમસી) આ અંગે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. જે વ્યક્તિ જાહેરમાં ફેસ માસ્ક નહીં પહેરે એની સામે ભારતીય ફોજદારી ધારાની 188મી કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.

મ્યુનિસિપલ કમિશનર પરદેસીએ કહ્યું છે કે ફેસ માસ્ક પહેરવાથી કોરોનાવાઈરસ એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં પ્રસરવાનું જોખમ નોંધનીય રીતે ઘટાડી શકાય છે. આ ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સિંગને લગતા અન્ય પગલાંને પણ ફરજિયાત રીતે અમલમાં મૂકવામાં આવ્યા છે.

આમ, હવેથી શહેરમાં જે કોઈ વ્યક્તિ રસ્તા પર, હોસ્પિટલમાં, ઓફિસમાં, બજારમાં વગેરે સ્થળે કોઈ પણ કારણસર જાય ત્યારે એણે મોઢા પર માસ્ક પહેરવો જ પડશે.

પોતાના અંગત કે સરકારી વાહનોમાં સફર કરનારાઓને પણ આ નિયમ લાગુ પડશે. તે ઉપરાંત ઓફિસમાં કે અન્ય કામકાજના સ્થળે કોઈ પણ મીટિંગમાં ભેગા થયેલા લોકોએ પણ માસ્ક ફરજિયાત પહેરવો પડશે.

આ માસ્ક રેગ્યૂલર 3-પ્લે માસ્ક હોઈ શકે અથવા કાપડના માસ્ક હોઈ શકે અથવા દવાની દુકાનોમાં મળતા હોય કે ઘરમાં બનાવેલા માસ્ક પણ પહેરી શકાશે. આવા માસ્ક આસાનીથી ધોઈ શકાય અને એને જંતુમુક્ત કર્યા બાદ ફરીથી વાપરી શકાય.

મ્યુનિસિપલ કમિશનરના આ આદેશનું ઉલ્લંઘન કરનારને કાયદા અનુસાર સજાની જોગવાઈ કરવામાં આવી છે.