મુંબઈઃ જહાંગીર આર્ટ ગેલેરીમાં યોજાયેલું ‘હાર્ટબીટ્સ’ નામની ફોટોગ્રાફીનું એક્ઝિબિશન વન્યજીવની સુરક્ષા પર આધારિત છે, જેનું ઉદઘાટન મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કર્યું હતું. આ ‘હાર્ટબિટ્સ’ ફોટોગ્રાફી વિશ્વના ટોચના કાર્ડિયાક સર્જન અને એશિયન હાર્ટ ઇન્સ્ટિટ્યૂટના અધ્યક્ષ ડો. રમાકાંત પાંડા દ્વારા કરવામાં આવી હતી.
આ ઉદઘાટન સમારંભમાં ડો. પાંડાની પ્રશંસા કરતાં કહ્યું હતું કે આ ફોટોગ્રાફી આપણને કુદરતના નિયમોની યાદ અપાવે છે અને તમારા આ ફોટો ખરેખર અસાધારણ છે. મારી સાથે હવે એક સમસ્યા થઈ છે કે હું હંમેશાં તેમને ડોક્ટર સાહેબ કરીને સંબોધન કરતો હતો, પરંતુ હવે આ એક્ઝિબિશન પછી હવે હું તેમને શું કહીને બોલાવું? ફોટોગ્રાફર કહું કે ડોક્ટરસાહેબ જ કહું, એમ તેમણે કહ્યું હતું.
‘હાર્ટબીટ્સ’ નામના ફોટોગ્રાફીનું એક્ઝિબિશન 130 ફોટોનું યુનિક કલેક્શન છે, જે ડો. પાંડા દ્વારા લેવામાં આવી છે. આ એક્ઝિબિશનમાં મૂકવામાં આવેલા ફોટો મનુષ્ય અને પ્રાણીઓની વચ્ચે જાળવી રાખવાના સંતુલનને સરસ રીતે દર્શાવે છે અને બંનેના સહઅસ્તિત્વ અને સંરક્ષણની તત્કાળ જરૂરિયાત પર ભાર મૂકે છે. આ એક્ઝિબિશન થકી મળેલી આવકને વન્યજીવોની સુરક્ષા માટે આપવામાં આવશે.
આ પ્રસંગે બોલતાં ફોટોગ્રાફર અને વિશ્વના ટોચના કાર્ડિયક સર્જન ડો. પાંડાએ (કે જેઓ @drpandaasianheartને નામે ફોટો પોસ્ટ કરે છે) કહ્યું હતું કે વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફી માટે ઉદ્ધવ ઠાકરે મારી પ્રેરણા છે અને તેમણે જ મને એક્ઝિબિશન કરવા માટે પ્રેર્યો છે. હું શાંતિ અને સદભાવની સાથે પ્રાણીઓ અને મનુષ્યોના સહઅસ્તિસ્વના સંદેશમાં માનું છું.
એશિયન વાઇલ્ડલાઇફ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં HDFC બેન્કના ભૂતપૂર્વ ચેરમેન દીપક પારેખ, પરિમલ નથવાણી, એસ. રામાદોરાઈ, નિરંજન હીરાનંદાની, રતિ અને નાદિર ગોદરેજ, આશુતોષ ગોવારીકર અને રાજ્યસભાના સભ્ય કુમાર કેતકર સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
જહાંગીર આર્ટ ગેલેરીમાં આયોજિક એક્ઝિબિશન 27 નવેમ્બર સુધી કલાપ્રેમીઓ માટે ખુલ્લું રહેશે. જે કલાપ્રેમીઓને ડો. પાંડાના લેન્સના માધ્યમથી કેદ વન્યજીવની સુંદરતાની ઝાંખી કરાવશે. આ પ્રકારની ફોટોગ્રાફી ના માત્ર વન્યજીવોને દર્શાવે છે, પણ વન્યજીવોની સુરક્ષા વિશે પણ જાગરુકતા વધારવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
(ફોટો સૌજન્ય- આશિષ સોમપુરા)