27 નવેમ્બરથી પશ્ચિમ રેલવેમાં 20-દિવસનો બ્લોક; અનેક ટ્રેન સસ્પેન્ડ કરાશે

મુંબઈઃ હાલમાં જ 29 દિવસનો મેગા બ્લોક સહન કર્યા બાદ શહેરના લોકલ ટ્રેન પ્રવાસીઓ માટે એક વધુ લાંબો બ્લોક આવી રહ્યો છે. પશ્ચિમ રેલવેએ જાહેરાત કરી છે કે 27 નવેમ્બરથી આ બ્લોક શરૂ થશે અને તે 20-દિવસનો રહેશે. એને કારણે અનેક ટ્રેનોની સેવાને સસ્પેન્ડ કરવામાં આવશે. અંધેરીમાં એસ.વી. રોડ (વેસ્ટ) અને પશ્ચિમ એક્સપ્રેસ હાઈવે (ઈસ્ટ)ને જોડતા અને બાંધકામ હેઠળના ગોખલે ઓવરબ્રિજ માટે એક ગર્ડર બેસાડવાનું કામ હાથ ધરવાનું હોવાથી ટ્રેન સેવામાં બ્લોકની જરૂર પડી છે.

(ફાઈલ તસવીર)

ગયા ઓક્ટોબરમાં બ્રિજની ઉત્તર બાજુએ ગર્ડર બેસાડવાનું કામ સફળતાપૂર્વક હાથ ધરવામાં આવ્યું હતું. હવે દક્ષિણ બાજુએ ગર્ડર બેસાડવાનો છે. આ ગર્ડર 90 મીટરનો છે. દરેક ગર્ડરનું વજન આશરે 1,300 ટન છે. તેને સ્પેશિયલ તૈયાર કરાયેલી ક્રેનના ઉપયોગ વડે લિફ્ટ કરવામાં આવશે અને બ્રિજ પર લોન્ચ કરવામાં આવશે. ગોખલે બ્રિજ 1975માં બાંધવામાં આવ્યો હતો, પરંતુ નબળો પડી જતાં એને 2022ના ડિસેમ્બરમાં તોડી પાડવામાં આવ્યો હતો અને ફરીથી બાંધવામાં આવી રહ્યો છે. એ માટે રૂ. 90 કરોડનો ખર્ચ થયો છે. મહાનગરપાલિકા આ બ્રિજને 2024ના ફેબ્રુઆરીમાં આંશિક રીતે ખુલ્લો મૂકવા ધારે છે. બ્રિજને 2023ના નવેમ્બરમાં ખુલ્લો મૂકવાની ડેડલાઈન હતી, પરંતુ તેનું પાલન થઈ શક્યું નથી.

2018ના જુલાઈમાં આ બ્રિજનો એક ભાગ ઘસાઈ જવાથી અને ઓવરલોડ થવાને કારણે તૂટી પડ્યો હતો. તેનો કાટમાળ નીચે અંધેરી સ્ટેશનના 8-9 નંબરના પ્લેટફોર્મ પર અને પાટા પર પડ્યો હતો. એને કારણે એક મહિલા અને એક પુરુષનું કરૂણ રીતે મરણ નિપજ્યું હતું અને ત્રણ જણને ઈજા થઈ હતી. હાલમાં જ ઓક્ટોબર-નવેમ્બરમાં પશ્ચિમ રેલવેમાં 29 દિવસનો બ્લોક હતો. ખાર અને ગોરેગાંવ સ્ટેશનો વચ્ચે છઠ્ઠી લાઈન નાખવામાં આવી હતી એને કારણે તે બ્લોક રાખવામાં આવ્યો હતો. એ દિવસોમાં 3,000થી વધારે લોકલ ટ્રેનો અને 260 લાંબા અંતરની ટ્રેનોને રદ કરવામાં આવી હતી.