દેવઉઠી એકાદશી નિમિત્તે ફડણવીસ દંપતીએ વિઠ્ઠલ-રુક્મિણી મંદિરમાં કરી મહાપૂજા

પંઢરપુરઃ આજે હિન્દુધર્મીઓ દેવઉઠી અગિયારસ (કાર્તિકી એકાદશી) પર્વની ઉજવણી કરી રહ્યાં છે. આજના દિવસે મહારાષ્ટ્રમાં ચંદ્રભાગા નદીકાંઠે વસેલા પ્રસિદ્ધ યાત્રાસ્થળ પંઢરપુરની યાત્રા કરવાનું મહાત્મ્ય રહેલું છે. રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને એમના પત્ની અમૃતા ફડણવીસે આજે સવારે અહીંના વિઠ્ઠલ-રુકમિણી મંદિરમાં ભગવાન શ્રી વિઠ્ઠલ અને રુક્મિણીજી (રખુમાઈ)નાં મંદિરમાં દર્શન કર્યાં હતાં. ફડણવીસે વિઠોબાને પ્રાર્થના કરી હતી કે, ‘રાજ્યમાં પ્રત્યેક વ્યક્તિ સુખી થાય, ખેડૂતો પરનું સંકટ દૂર થાય, વરસાદને કારણે ચિંતિત થયેલા ખેડૂતોને ધીરજ અને સંતોષ આપવાની શક્તિ ભગવાન અમને આપે.’

(તસવીર સૌજન્યઃ @Dev_Fadnavis)

રાજ્ય સરકાર વતી પૂજા કરવા માટે ફડણવીસ અને એમના પત્ની ગઈ કાલે સોલાપુર આવ્યા હતા. દંપતીએ ગઈ વહેલી સવારે 2.15 વાગ્યાથી શ્રી વિઠ્ઠલ અને રુક્મિણી માતાની મહાપૂજાનો આરંભ કર્યો હતો. પૂજા પૂરી થયા બાદ એમણે ફડણવીસે પત્રકારો સાથે વાતચીત કરી હતી અને કહ્યું કે, ‘કાર્તિકી એકાદશી નિમિત્તે સૌને શુભેચ્છા છે અને વિઠ્ઠલ-રુક્મિણી સૌની મનોકામના પૂરી કરે. અમે એ માટે ભગવાન પાસે શક્તિ અને આશીર્વાદ માગ્યા છે.’ ભગવાન વિઠ્ઠલને ભગવાન વિષ્ણુના એક સ્વરૂપ તરીકે માનવામાં આવે છે. કાર્તિકી એકાદશી નિમિત્તે વિઠ્ઠલ-રુક્મિણીનાં દર્શન કરવા માટે દર વર્ષે લાખોની સંખ્યામાં વૈષ્ણવો-ભાવિકો પંઢરપુરની જાત્રાએ આવે છે.