મુંબઈમાં એર ઈન્ડિયાની ટ્રેની એરહોસ્ટેસની હત્યાઃ આરોપીની ધરપકડ

મુંબઈઃ એર ઈન્ડિયામાં ટ્રેની ફ્લાઈટ અટેન્ડન્ટ તરીકે કામ કરતી 24 વર્ષની રૂપલ ઓગ્રે નામની યુવતી આજે વહેલી સવારે અહીં અંધેરી (ઈસ્ટ)સ્થિત તેનાં એક ફ્લેટમાં મૃત હાલતમાં મળી આવી હતી. એનું ગળું ચીરીને એની હત્યા કરવામાં આવી હતી. મૃતદેહ અંધેરી ઈસ્ટના મરોલ વિસ્તારમાં આવેલા એન.જી. કોમ્પ્લેક્સ બિલ્ડિંગના ફ્લેટમાં મળી આવ્યો હતો. પોલીસે હત્યાનો કેસ નોંધીને તપાસ શરૂ કરી હતી અને અમુક કલાકોમાં જ આરોપીને પકડી લીધો છે. તે અંધેરી (ઈસ્ટ)ના જ વિસ્તાર ચાંદીવલીનો રહેવાસી છે. આરોપી 40 વર્ષીય વિક્રમ અટવાલ તરીકે ઓળખી કાઢવામાં આવ્યો છે. તે રૂપલ રહેતી હતી તે સોસાયટીમાં અવારનવાર કામ કરવા આવતો હતો.

રવિવારે બપોરે તે સફાઈના બહાને રૂપલનાં ઘરમાં ઘૂસ્યો હતો. આજે સવારે રૂપલનાં ગરદન પર એક ઊંડો ઘા જોવા મળ્યો હતો. ચાકૂ કે કોઈક તીક્ષ્ણ હથિયાર વડે એનું ગળું ચીરી નાખવામાં આવ્યું હતું. આરોપીએ ગુનાની કબૂલાત કરી લીધી છે અને પોલીસે હથિયાર પણ કબજે કરી લીધું છે.

મૃતક રૂપલ છત્તીસગઢની રહેવાસી હતી. તે એર ઈન્ડિયામાં એની તાલીમ માટે ગયા એપ્રિલમાં મુંબઈ આવી હતી. તે જે ફ્લેટમાં મૃત મળી આવી હતી એમાં તે એની બહેન અને બહેનનાં બોયફ્રેન્ડની સાથે રહેતી હતી. આઠેક દિવસ પહેલાં બહેન અને એનો બોયફ્રેન્ડ અંગત કારણસર એમનાં વતનમાં ગયાં હતાં. રૂપલની હત્યાના સમાચાર અપાયા બાદ બંને જણ મુંબઈ પાછાં ફર્યાં છે.

રૂપલે ગઈ કાલે સવારે પરિવારજનો સાથે વોટ્સએપ પર વિડિયો કોલ પર વાત કરી હતી. તેથી પોલીસને શંકા હતી કે હત્યા રવિવાર બપોર અને સોમવાર વહેલી સવારની વચ્ચેના સમયે થઈ હોવી જોઈએ. એ પછી રૂપલે પરિવારજનોએ કરેલા ફોનનો જવાબ આપ્યો નહોતો. પરિવારજનોનાં કહેવાથી અંધેરીસ્થિત એમનાં અમુક મિત્રો રૂપલનાં ઘેર જઈને તપાસ કરવા ગયા હતા. ઘર અંદરથી બંધ હતું અને ડોરબેલનો વગાડાતાં કોઈ પ્રતિસાદ મળ્યો નહોતો. બાદમાં એમણે પોલીસને જાણ કરી હતી. પોલીસોએ આવીને ડુપ્લીકેટ ચાવીથી ફ્લેટનો દરવાજો ખોલ્યો હતો ત્યારે રૂપલ ગળું ચીરેલી હાલતમાં મળી આવી હતી.