એમ્બ્યુલન્સને માર્ગ કરવા સિગ્નલ તોડનાર વાહનચાલકોને દંડવામાં નહીં આવે

મુંબઈઃ પડોશના થાણે શહેરના ટ્રાફિક વિભાગના નાયબ પોલીસ કમિશનર ડો. વિનય રાઠોડના જણાવ્યા મુજબ, શહેરમાં દર્દીઓને લઈ જતી એમ્બ્યુલન્સને માર્ગ કરી આપવા માટે જે વાહનચાલકો સિગ્નલ તોડશે એમને દંડ ફટકારવામાં નહીં આવે. અત્યાર સુધી આવા વાહનચાલકોને ખોટી રીતે દંડ કરવામાં આવતો હતો. હવે એમને પેનલ્ટી કરવામાં નહીં આવે. સાઈરન વગાડતી એમ્બ્યુલન્સને માર્ગ કરી આપવાની વાહનચાલક નાગરિકોની ફરજ છે અને એ માટે જો તેઓ લાલ સિગ્નલને તોડશે કે સિગ્નલ લાઈનને પાર કરીને માર્ગ કરી આપશે તો એને ટ્રાફિક નિયમનો ભંગ ગણવામાં નહીં આવે.

(પ્રતીકાત્મક તસવીર)

મુંબઈમાં, વરલી વિસ્તારમાં ટ્રાફિક મુખ્યાલય ખાતે ઈલેક્ટ્રોનિક એન્ફોર્સમેન્ટ વિભાગ શરૂ કરાયો છે. તે રેડ લાઈટ વાયોલેશન ડીટેક્શન કેમેરાનો ઉપયોગ કરે છે. જે વાહનચાલકો સિગ્નલ તોડે કે ટ્રાફિક નિયમનો ભંગ કરે તેઓ આ કેમેરામાં ઝડપાઈ જાય છે. તરત જ વાહનચાલક સામે ઈ-ચલન બની જાય છે. આ કેમેરા વાહનના રજિસ્ટ્રેશન નંબરને ઓળખી કાઢે છે અને તેને પગલે ટ્રાફિક વિભાગ સંબંધિત વાહનચાલકને ઈ-ચલન ઈસ્યૂ કરે છે.