મુંબઈઃ મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની ભારતીય જનતા પાર્ટીના નેતા નારાયણ રાણેએ કરેલી માગણી સામે શિવસેના પાર્ટીના સંસદસભ્ય સંજય રાઉતે વળતો જવાબ આપ્યો છે. એમણે કહ્યું છે કે કોરોના વાઈરસે સર્જેલી કટોકટીને સંભાળવામાં ગુજરાત સરકારની કામગીરી વધારે ખરાબ રહી છે, તેથી પહેલા ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવું જોઈએ.
ઉલ્લેખનીય છે કે ભારતમાં કોરોના વાઈરસના સૌથી વધારે દર્દીઓ મહારાષ્ટ્ર રાજ્યમાં થયા છે.
કોરોનાનો ચેપ અંકુશમાં રાખવા માટે દેશભરમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે અને એને કારણે લોકોને ભારે અડચણ પડી રહી છે. ત્યારે બીજી બાજુ રાજકારણ ચાલી રહ્યું છે. મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની વિરોધ પક્ષ ભાજપે રાજ્યપાલ સમક્ષ માગણી કરી છે. વિપક્ષનું કહેવું છે કે કોરોનાનો ચેપ રોકવામાં મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની મહાવિકાસ આઘાડી સરકાર નિષ્ફળ ગઈ છે.
આ સંદર્ભમાં સંજય રાઉતે કહ્યું કે રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવું હોય તો એની શરૂઆત ગુજરાતથી કરવી જોઈએ. ગુજરાતમાં હાઈકોર્ટે કોરોનાનો ચેપ રોકવાના મુદ્દે જે નિર્ણય આપ્યો છે એ ગંભીર બાબત છે. સરકારી હોસ્પિટલો અંધારી કોટડીઓ બની ગઈ છે. હોસ્પિટલો જાણે સ્મશાન બની રહી છે એવું હાઈકોર્ટે જ રાજ્ય સરકારને સંભળાવ્યું છે.
સંજય રાઉતે પત્રકાર પરિષદને સંબોધિત કરતી વખતે મહારાષ્ટ્ર સરકારની સ્થિરતા વિશે સ્પષ્ટતા કરી હતી. એમણે કહ્યું કે, મહારાષ્ટ્રની સરકાર, ઠાકરે સરકાર… રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી, કોંગ્રેસ તથા અન્ય મુખ્ય પક્ષ દ્વારા રચિત મહાવિકાસ આઘાડીએ બનાવી છે. આ સરકાર મજબૂત છે અને તે એની પાંચ વર્ષની મુદત જરૂર પૂરી કરશે. આવનારા સમયમાં ચૂંટણી અમે સાથે મળીને જ લડવાના છીએ.