કોરોનાને કારણે મુંબઈમાં જાણીતું મંડળ આ વર્ષે ગણેશોત્સવ નહીં યોજે

મુંબઈઃ કોરોના વાઈરસની મહાબીમારી ફેલાઈ હોવાને કારણે આ વર્ષે પોતાનો સાર્વજનિક ગણેશોત્સવ ન યોજવાનો મુંબઈસ્થિત જીએસબી મંડળે નિર્ણય લીધો છે. આ મંડળ વડાલા ઉપનગરમાં છે અને તેનો ગણેશોત્સવ ખૂબ જાણીતો છે.

ઉલ્લેખનીય છે કે, મુંબઈમાં ગણેશોત્સવના દિવસો દરમિયાન સાર્વજનિક ગણેશ મંડળોની ગણપતિ મૂર્તિનાં દર્શન કરવા તથા મંડપ સજાવટ જોવા માટે શ્રદ્ધાળુઓની ખૂબ ભીડ જામે છે. આ વખતે કોરોના રોગચાળો ફેલાયો હોવાથી સોશિયલ ડિસ્ટન્સિંગનો નિયમ લાગુ કરાયો છે ત્યારે ગણેશ મંડળોમાં શ્રદ્ધાળુઓ એ નિયમનું પાલન કરે એ વિશે શંકા છે. આ નિયમનું પાલન કરાવવાનો તમામ સાર્વજનિક ગણેશોત્સવ મંડળો માટે મોટો પડકાર બની જશે. તેથી શહેરના એક જાણીતા મંડળે તો આ વર્ષે ગણેશોત્સવ ન યોજવાનું નક્કી કરી નાખ્યું છે.

વડાલા સ્થિત જીએસબી સાર્વજનિક ગણેશોત્સવ સમિતિએ આ વર્ષે સંસ્થા વતી ગણેશોત્સવ ન યોજવાનો નિર્ણય લઈ લીધો છે. તે એને બદલે આવતા વર્ષે મહા મહિનામાં ગણેશોત્સવ યોજનાર છે.

આ વર્ષે ગણેશોત્સવનું આયોજન કરવા પર રાજ્ય સરકાર અનેક પ્રકારના પ્રતિબંધો, નિયંત્રણો મૂકશે એ નક્કી છે. જેમ કે, મંડળોમાં ફેસમાસ્ક પહેરવાનું ફરજિયાત બનાવાશે, સેનિટાઈઝર રાખવાનું, બે વ્યક્તિ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ રાખવાનું ફરજિયાત બનાવાશે.

જીએસબી વડાલા મંડળ ખાતે 11 દિવસના ગણેશોત્સવનું આયોજન કરાય છે. એ દરમિયાન લાખો ભાવિકો ગણપતિજીના દર્શન કરવા આવતા હોય છે. પરંતુ આ વખતે કોરોનાને કારણે લોકોની ગીરદી થાય એ ચલાવાશે નહીં. ગીરદી થાય તો કોરોનાનો ચેપ લાગવાનું શરૂ થઈ શકે છે.

જીએસબી મંડળના પદાધિકારીઓએ બેઠક યોજી હતી અને એમાં સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો હતો કે આ વર્ષે ગણેશોત્સવ યોજવો નહીં અને એને બદલે આવતા વર્ષે મહા મહિનામાં ગણેશ જયંતિનો ઉત્સવ યોજવો.

દરમિયાન, મુંબઈના સૌથી પ્રસિદ્ધ અને લોકપ્રિય એવા ‘લાલબાગચા રાજા’ સાર્વજનિક ગણેશોત્સવના આયોજકો આ વર્ષે ગણેશોત્સવ યોજવો કે નહીં એનો નિર્ણય જૂનમાં લેશે.