મહારાષ્ટ્રમાંથી લોકડાઉન ઓચિંતું નહીં, ધીમે ધીમે હટાવીશું: ઉદ્ધવ ઠાકરે

મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ આજે ફેસબુક લાઈવ મારફત રાજ્યની જનતાને સંબોધિત કરી હતી. એમણે કહ્યું કે, કોરોના સામે મહારાષ્ટ્રવાસીઓની લડાઈ સરસ રહી છે. આગળ જતા પરિસ્થિતિ વિકટ બનશે, પરંતુ ગભરાવાનું નથી.

લોકડાઉન ક્યારે ઉઠાવી લેવામાં આવશે? એ વિશે ઠાકરેએ કહ્યું કે લોકડાઉન અચાનક લાગુ કરવામાં આવ્યું હતું, પરંતુ હવે એ અચાનક ઉઠાવી લેવામાં નહીં આવે, પરંતુ ધીમે ધીમે પાછું ખેંચવામાં આવશે. કોરોનાનાં કેસોનો રોજ વધારો થાય છે. તેથી આપણે જિંદગીની ગાડીને ધીમે ધીમે ફરી રસ્તા પર લાવીશું. આપણે આ બીમારી સામે હજી એકદમ કાળજી લેવાની છે. આપણે માસ્ક પહેરવાનું અને સેનિટાઈઝરનો ઉપયોગ કરવાનું ચાલુ જ રાખવાનું છે.

આમ, ઠાકરેએ સંકેત આપ્યો છે કે મહારાષ્ટ્રમાં લોકડાઉન 31 મે પછી લંબાવાશે.

દેશમાં કોરોના દર્દીઓના કેસોની સંખ્યાની દ્રષ્ટિએ મહારાષ્ટ્ર પહેલા નંબરે છે.

ઠાકરેએ કહ્યું કે મે મહિનાના અંત સુધીમાં રાજ્યમાં કોરોનાના દર્દીઓની સંખ્યા દોઢ લાખ સુધી પહોંચી જશે એવું કેન્દ્ર સરકાર સંચાલિત ICMRનું અનુમાન હતું, પરંતુ આપણે લોકડાઉનનો કડક રીતે અમલ કરીને અને લોકોએ પણ શિસ્તબદ્ધ રીતે એનું પાલન કરતાં આ સંખ્યા ઘણી જ ઓછી રહી છે. આજે મહારાષ્ટ્રમાં કુલ પોઝિટીવ કેસ 33,786 છે. 13,404 દર્દીઓ સાજા થઈને ઘેર પહોંચી ગયા છે.

મુંબઈમાં કોરોના પોઝિટીવ થયેલી ગર્ભવતી મહિલાઓએ કોરોના નેગેટિવ બાળકોને જન્મ આપ્યો તે કુદરતનો ચમત્કાર જ કહેવાય. 90 વર્ષના એક વૃદ્ધાએ સાજા થઈને કોરોનાને માત આપી છે. આવનારા અમુક સમયમાં કોરોનાના કેસોની સંખ્યા વધવાની શંકા છે, પરંતુ ગભરાવાની કે ચિંતા કરવાની જરૂર નથી, એમ ઠાકરેએ કહ્યું.

રાજ્યમાં આપણે લાખો ઘરોમાં જઈને દર્દીઓની સારવારની વ્યવસ્થા કરવામાં સફળ રહ્યા છીએ. હવે થોડા જ દિવસોમાં ચોમાસું બેસશે એટલે એમાં અમુક બીમારીઓ થશે. તેથી દરેક જણે વધારે સંભાળવાની જરૂર છે. હવે 7000 પલંગવાળી હોસ્પિટલ ઉપલબ્ધ છે. આવતા મહિનામાં આપણે વધુ 15 હજાર પલંગ હોસ્પિટલમાં ઉપલબ્ધ કરાવીશું. મુંબઈમાં દર્દીઓને વેન્ટીલેટર કરતાં ઓક્સિજનની જરૂર વધારે છે તેથી ફિલ્ડ હોસ્પિટલમાં જ ઓક્સિજનનો પુરવઠો વધારવામાં આવશે, એમ ઠાકરેએ કહ્યું.

આ વર્ષે વરસાદમાં ભીંજાવાની, મજા કરવાની ઈચ્છાને ટાળી દેવી પડશે. ગરમ પાણી પીતા રહેવું પડશે અને બીજી બીમારીઓને દૂર રાખવી પડશે. બીજી બીમારીઓ દૂર રહેશે તો કોરોના પણ દૂર રહેશે. જે રીતે તમે સહુ ઉનાળામાં સાથીઓથી દૂર રહ્યા છો એવી જ રીતે હવે ચોમાસામાં પણ સાથીઓથી દૂર જ રહેજો, એમ ઠાકરેએ કહ્યું છે.

જે દર્દીઓ સાજા થયા છે તેઓ સમયસર આવ્યા હતા એટલે એમનો સમયસર ઉપચાર થઈ શક્યો હતો. તેથી જે લોકોને કોરોના જેવા લક્ષણો જણાય એમણે તરત જ ડોક્ટર પાસે પહોંચી જવું જોઈએ, એમ તેમણે કહ્યું.

25 મેથી દેશમાં સ્થાનિક ફ્લાઈટ્સ શરૂ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણય વિશે ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે એમણે કેન્દ્રીય સિવિલ એવિએશન પ્રધાન હરદીપ સિંહ પુરી સાથે આ અંગે ફોન પર વાત કરી છે અને એમને વિનંતી કરી છે કે વિમાન સેવા ફરી શરૂ કરવાની તૈયારીઓ પૂરી કરવા માટે મહારાષ્ટ્રને થોડા વધારે સમયની જરૂર છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]