મુંબઈઃ બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાનની ફિલ્મ નિર્માત્રી અને ઈન્ટિરીયર ડિઝાઈનર પત્ની ગૌરી ખાનને કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડાઈરેક્ટોરેટ (ઈડી) તરફથી નોટિસ મોકલવામાં આવી છે. આ નોટિસ રૂ. 30 કરોડ કથિતપણે પચાવી પાડવાના એક કેસના સંબંધમાં છે. મીડિયા અહેવાલો અનુસાર, ગૌરી ખાન લખનઉની રિયલ એસ્ટેટ કંપની તુલસિયાની ગ્રુપની બ્રાન્ડ એમ્બેસેડર છે. આ કંપની પર આરોપ છે કે તેણે ઈન્વેસ્ટરો અને બેન્કોના રૂ. 30 કરોડ પચાવી પાડ્યા છે. ગૌરીને આજે ઈડી તરફથી નોટિસ મોકલવામાં આવી હોવાનો અહેવાલ છે. તપાસ એજન્સી આ કેસના સંબંધમાં ગૌરીને કદાચ પૂછપરછ માટે સમન્સ મોકલે એવી ધારણા છે. ગૌરીએ જોકે હજી સુધી આ નોટિસ અંગે કોઈ પ્રત્યાઘાત આપ્યાં નથી.
શું છે આ કેસ?
મીડિયા અહેવાલો અનુસાર, તુલસિયાની ગ્રુપ પર આરોપ છે કે તેણે ઈન્વેસ્ટરો અને બેન્કોને અંદાજે રૂ. 30 કરોડ જેટલું આર્થિક નુકસાન કર્યું છે. આ કેસના સંબંધમાં ઈડી અધિકારીઓ ગૌરીને તેના આર્થિક સોદાઓ વિશે પૂછપરછ કરે એવી ધારણા છે.
કંપનીના બ્રાન્ડ એમ્બેસેડરના પદ માટે કોન્ટ્રાક્ટ કરવામાં આવ્યા હતા. તેથી તપાસનીશ અધિકારીઓ ગૌરી પાસેથી સંબંધિત દસ્તાવેજો મેળવે એવી પણ ધારણા છે. લખનઉમાં, તુલસિયાની ગ્રુપને સુશાંત ગોલ્ફ સિટી તરીકે ઓળખવામાં આવે છે. મુંબઈના કિરીટ શાહ નામના ઈન્વેસ્ટરે 2015માં રૂ. 85 લાખમાં એક ફ્લેટ ખરીદ્યો હતો. પણ કંપનીએ એમને ફ્લેટનો કબજો આપ્યો નથી કે એમને પૈસા રીફંડ પણ કર્યા નથી. તેથી શાહે તુલસિયાની ગ્રુપના ડાઈરેક્ટરો – અનિલકુમાર તુલસિયાની અને મહેશ તુલસિયાની તેમજ બ્રાન્ડ એમ્બેસેડર ગૌરી ખાન સામે ફરિયાદ નોંધાવી છે.
શાહનો આરોપ છે કે, એમણે 2015માં ફ્લેટ ખરીદ્યો હતો. તેઓ સુશાંત ગોલ્ફ સિટીમાં કંપનીની ઓફિસે ગયા હતા અને રૂ. 86 લાખમાં ફ્લેટ ખરીદવા તૈયાર થયા હતા. એમને ખાતરી આપવામાં આવી હતી કે 2016માં ફ્લેટનો કબજો આપવામાં આવશે. પરંતુ ઘણો બધો સમય પસાર થઈ ગયો અને એમને ફ્લેટ મળ્યો નહીં. બાદમાં એમને માલૂમ પડ્યું હતું કે એમણે જે ફ્લેટના બુકિંગ માટે એગ્રીમેન્ટ કર્યો હતો તે કંપનીએ કોઈક બીજી વ્યક્તિને ટ્રાન્સફર કરી દીધો હતો.