દાઉદને ઝેર અપાયાના અહેવાલો ખોટા છેઃ મુંબઈ પોલીસ

મુંબઈઃ ભારત સરકારે જેને મોસ્ટ વોન્ટેડ ગુનેગાર ઘોષિત કર્યો છે તે અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમને પાકિસ્તાનના કરાચીમાં ઝેર આપવામાં આવ્યું હોવાના સમાચારે છેલ્લા બે દિવસથી ખળભળાટ મચાવી દીધો છે. આ વિશે મુંબઈ પોલીસે મહત્ત્વની પ્રતિક્રિયા આપી છે. દાઉદ વિશેના સમાચારમાં મુંબઈ પોલીસે તપાસ કરી છે અને એમાં કોઈ તથ્ય ન હોવાનું તેને માલુમ પડ્યું છે. શું દાઉદને ખરેખર ઝેર આપવામાં આવ્યું છે? એ વિશે મુંબઈ પોલીસનું કહેવું છે કે, આ બધી માત્ર અફવા ફેલાવવામાં આવી છે. દાઉદને કોઈ ઝેર-બેર આપવામાં આવ્યું નથી.

કહેવાય છે કે, દાઉદને ઝેર અપાયું હોવાના સમાચાર સૌથી પહેલા આરઝૂ કાઝમી નામનાં એક પાકિસ્તાની મહિલા પત્રકારે આપ્યાં હતાં. એમણે તેમની યૂટ્યૂબ ચેનલ પર ‘ભેજા ફ્રાઈ’ નામના શોમાં સૌથી પહેલા આ માહિતી આપી હતી. તરત જ એ સમાચાર આગની જ્વાળાની માફક ઝડપથી ફેલાઈ ગયા હતા.