મુંબઈઃ બોલીવુડ અભિનેતા રણવીરસિંહે હાલમાં એક મેગેઝિનના કવરપેજ માટે નગ્ન થઈને તસવીરો પડાવી હતી. એની અનેક તસવીરો સોશ્યલ મીડિયામાં ફરતી થઈ છે. પરંતુ આ તસવીરોને કારણે રણવીરસિંહ મુસીબતમાં મૂકાઈ ગયો છે. એની સામે મુંબઈ પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
એક સ્વયંસેવી સંસ્થાએ ચેંબૂર પોલીસ સ્ટેશનમાં નોંધાવાયેલી ફરિયાદમાં જણાવ્યું છે કે આ પ્રકારની નગ્ન તસવીરો ભારતીય સંસ્કૃતિના ઉલ્લંઘન સમાન છે અને કોઈ પણ પુરુષ કે સ્ત્રીને શરમની લાગણી કરાવે એવી છે. આ પ્રકારના કૃત્યોનો સખત રીતે વિરોધ થવો જોઈએ, કારણ કે જો આનો વિરોધ કરવામાં નહીં આવે તો બીજી કે ત્રીજી રેન્કના અભિનેતાઓ પણ સસ્તી પબ્લિસિટી મેળવવા માટે આનું અનુકરણ કરશે જેને કારણે પરિસ્થિતિ તદ્દન ખરાબ થઈ જશે. આરોપી વ્યક્તિ (રણવીરસિંહ)નું આ કૃત્ય મહિલાઓની નજરમાં શરમજનક છે. કારણ કે આ સ્પષ્ટપણે જાતીય રીતે વાંધાજનક સામગ્રીનું પ્રકાશન અને પ્રસારણ છે. ભારત તો સંસ્કૃતિનું જતન કરનારો દેશ છે. અહીં દરેક જણને સ્વતંત્રતાનો અધિકાર મળ્યો છે. દેશમાં અભિનેતાને નાયક ગણવામાં આવે છે. ચાહકો એમના લાડીલા કલાકારોને ફોલો કરતા હોય છે. તેથી રણવીરસિંહે આ પ્રકારનું ન્યૂડ ફોટોશૂટ કરવું જોઈતું નહોતું.
રણવીરસિંહ સામે ઈન્ફોર્મેશન ટેક્નોલોજી કાયદાની કલમ 67-એ હેઠળ તેમજ ભારતીય ફોજદારી ધારા (આઈપીસી)ની 292, 293, 354, 509 (મહિલાઓની લાગણીને ઠેસ પહોંચાડવા અને શાલીનતાનું અપમાન કરવા) કલમો અંતર્ગત ફરિયાદ નોંધવામાં આવી છે.