મુંબઈઃ ધી કાંદિવલી એજ્યુકેશન સોસાયટી સંચાલિત સરદાર વલ્લભભાઈ પટેલ વિવિધલક્ષી વિદ્યાલય દ્વારા આયોજિત ‘સર્જક સાથે સંવાદ’ કાર્યક્રમમાં તા. ૩ ઓગષ્ટ ૨૦૨૩, ગુરુવારના દિવસે સવારે ૧૧ થી ૧૨ દરમિયાન કવિ મુકેશ જોષીને આમંત્રિત કરવામાં આવ્યા હતા. ડૉ. અંજલિ શાહે આ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું તેમજ શિક્ષિકા કેતકી બહેને કવિ પરિચય આપ્યો હતો.
કવિ મુકેશ જોષીએ ‘કેટલા વર્ષે હું આવ્યો છું ગામ’ કાવ્યનું પઠન કર્યું હતું અને પોતાનો અનુભવ અભિવ્યક્ત કરતા કહ્યું કે, તેઓ બાળપણમાં લખોટીથી રમતા, દુરબીનમાં આભ જોતા, ભમરડો ફેરવતા, કચુકાઓ ખાતા… એવા વૈભવી બાળપણનાં સંસ્મરણો જોષીએ બાળકો સાથે બાળક બનીને વાગોળ્યા હતા.
“ગિલ્લી-દંડામાં અંચાઇ કરી દોસ્તને,
દુ:ખે છે હજી મને ઘાવ, મરણોત્તર સન્માનો આપી શકાય છે…”
નાનપણમાં ગિલ્લી – દંડાનો દાવ આપ્યા વગર ભાગી ગયા હતા અને પાછળથી ખબર પડી કે એ મિત્રનું અવસાન થઈ ગયું ત્યારે દુઃખી થઈને આ પંક્તિની રચના કરી હતી, એમ કવિ જોષીએ કહ્યું.
એમણે પોતાની વાણીના અસ્ખલિત પ્રવાહથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. કવિતા કેવી રીતે લખાય એની ગુરુચાવી આપતા તેમણે કહ્યું કે, “પ્રાસ રચવાના પ્રયત્ન સાથે લાગણીઓના તાણાવાણા જોડતા જવાથી એક દિવસ કવિતા લખતાં આવડી જશે.”
ગુજરાતી માધ્યમના ધોરણ ૮,૯ અને ૧૦નાં વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોએ આ કાર્યક્રમનો આનંદ માણ્યો હતો. ધી કાંદિવલી એજ્યુકેશન સોસાયટીના વાઈસ પ્રેસિડેન્ટ મહેશ ભાઈ શાહ, ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર સંગીતા શ્રીવાસ્તવ અને પ્રાથમિક શાળાના આચાર્યા કવિતા મારુએ પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી. શિક્ષિકા દિપ્તી રાઠોડે આભારવિધિ કરી હતી.