મુંબઈઃ “પુષ્પો સાથે વાત કરવાનો સમય રહ્યો નહિ” એવું કવિ ઉમાશંકર જોશીએ એમના એક કાવ્યના ઉપાડમાં લખ્યું છે. મુંબઈગરાને પુષ્પો ઘરના આંગણે અને વેંત આઘા હેંગિંગ ગાર્ડન કે નેશનલ પાર્કમાં મળતાં રહે છે પણ એને માટે દ્રષ્ટિ અને નાસિકા ખુલ્લાં રાખવાં પડે છે.
મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીના આ કાર્યક્રમમાં ૧૭ ડિસેમ્બર રવિવારે સાંજે ૫.૩૦ વાગ્યે પ્રીમિયર સ્કૂલ, સુર્વે બિલ્ડિંગ, ભીમાણી સ્ટ્રીટ, માટુંગા (સેન્ટ્રલ લાઈન) રેલવે સ્ટેશન સામે પહોંચી જજો. કવિ સંજય પંડ્યાની પરિકલ્પના અને સંચાલન ધરાવતા આ કાર્યક્રમમાં કવિ લેખક ડો.પ્રદીપ સંઘવી નગર, વન અને ઉપવનનાં પુષ્પોની સેર કરાવશે. સંજય પંડ્યા તથા યુવાન ગઝલકાર મેહુલ પડિયા પુષ્પો વિશેના ગુજરાતી સાહિત્યના ઉત્તમ શેર જુગલબંધીમાં રજૂ કરશે. સંગીતકાર ગાયક સુરેશ જોશી પુષ્પોનાં કેટલાંક ગીતોની સંગીતમય રજૂઆત કરશે. કલમના કસબી સાહિત્ય પરિવારનાં કોકિલાબહેન ગડા, કેતન દત્તાણી અને નેહલ દફતરી પણ પોતાની રજૂઆત કરશે.
માટુંગા પ્રીમિયર સ્કૂલ અને કલમના કસબી સાહિત્ય પરિવાર આ કાર્યક્રમના સહઆયોજક છે અને સર્વ રસિક શ્રોતાઓને જાહેર નિમંત્રણ છે.
