મહિલા ડોક્ટરે ઉદ્યોગપતિ વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવી

મુંબઈઃ એક મહિલા ડોક્ટરે જેએસડબલ્યૂ ગ્રુપ કંપનીના મેનેજિંગ ડાઈરેક્ટર સજ્જન જિંદલ સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. હિન્દૂસ્તાન ટાઈમ્સના અહેવાલ અનુસાર, મહિલા ડોક્ટરનો આરોપ છે કે બળાત્કારની ઘટના 2022ના જાન્યુઆરીમાં મુંબઈના બાન્દ્રા-કુર્લા કોમ્પ્લેક્સ વિસ્તારમાં આવેલા કંપનીના મુખ્ય કાર્યાલયના પેન્ટહાઉસમાં બની હતી. ફરિયાદીનો દાવો છે કે બીકેસી પોલીસ સ્ટેશને આ વર્ષના આરંભમાં એની ફરિયાદ પર ધ્યાન આપ્યું નહોતું તેથી એને કોર્ટનો સહારો લેવો પડ્યો હતો. કોર્ટે પોલીસને આદેશ આપ્યો છે કે તે ફરિયાદ નોંધે.

મહિલા ડોક્ટરનો આરોપ છે કે, 2022ના જાન્યુઆરીમાં તે એક મીટિંગ માટે કંપનીના મુખ્યાલયમાં ગઈ હતી. ત્યારે મેનેજિંગ ડાઈરેક્ટર પોતાને પેન્ટહાઉસમાં લઈ ગયા હતા. ત્યાં પોતે સતત વિરોધ અને ઈનકાર કર્યો હોવા છતાં મેનેજિંગ ડાઈરેક્ટરે એની પર જબરદસ્તી કરી હતી. બીકેસી પોલીસ સ્ટેશન આ મામલે તપાસ કરી રહ્યું છે એમ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.