બુલેટ-ટ્રેનઃ 53,000ને બદલે માત્ર 22,000 મેનગ્રોવ્સ-ઝાડ કપાશે

મુંબઈઃ નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડે (NHSRCL) મુંબઈ હાઈકોર્ટને જણાવ્યું છે કે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ઓછી સંખ્યામાં મેનગ્રોવ ઝાડ કાપશે. કેન્દ્ર સરકાર અને મહારાષ્ટ્ર સરકારના પર્યાવરણ મંત્રાલયો તથા અન્ય સત્તાવાળાઓ તરફથી મળેલા આદેશને પગલે નક્કી કરવામાં આવ્યું છે કે 53,000ને બદલે માત્ર 22,000 મેનગ્રોવ ઝાડ જ કાપીશું.

મુંબઈ અને અમદાવાદ વચ્ચે 508 કિ.મી. લાંબી બુલેટ ટ્રેન યોજના પર કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે. આ યોજના માટે મહારાષ્ટ્રમાં 13 હેક્ટર જમીન પર ઝાડીઝાંખરા દૂર કરવામાં આવશે. મુંબઈ, થાણે, નવી મુંબઈ, પાલઘરમાં એવા હજારો મેનગ્રોવ્સને દૂર કરવાની સરકારો તરફથી NHSRCLને પરવાનગી આપવામાં આવી છે. કંપનીએ હાઈકોર્ટને એવી ખાતરી પણ આપી છે કે યોજના માટે જે મેનગ્રોવ્સ-ઝાડ કાપવામાં આવશે એના કરતાં પાંચ ગણા વધારે ઝાડનું વળતરરૂપે વાવેતર કરી આપવામાં આવશે.