મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ આજે અહીં વિડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી ‘મહાજોબ્સ પોર્ટલ’નું લોકાર્પણ કર્યું છે. એ પ્રસંગે રાજ્યના ઉદ્યોગ પ્રધાન સુભાષ દેસાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા.
મહારાષ્ટ્રમાં મરાઠી યુવાઓ – ભૂમિપુત્રોને રોજગાર મળે એ ઉદ્દેશ્યથી આ પોર્ટર તૈયાર કરવામાં આવ્યું છે. આનાથી અનેક તરુણોને રોજગાર ઉપલબ્ધ કરાવવામાં આવશે.
કોરોના વાઈરસને મહામારી ફેલાવાને કારણે દેશભરમાં અને રાજ્યોમાં લોકડાઉન લાગુ કરાયું છે. એને કારણે અનેક ઉદ્યોગ-ધંધાઓ બંધ પડ્યા હતા તેમજ અનેક તરુણોની નોકરીઓ પણ છૂટી ગઈ છે. પરંતુ હવે મહારાષ્ટ્રમાં 65 હજાર ઉદ્યોગો શરૂ કરવામાં આવનાર છે. અનેક નવા ઉદ્યોગો રાજ્યમાં આવનાર છે. રાજ્ય સરકારે આ માટે દેશી-વિદેશી કંપનીઓ સાથે 17 કરોડ રૂપિયાના કરાર કર્યા છે, એમ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું છે.
સરકાર જ્યારે મહારાષ્ટ્રમાં ઔદ્યોગિક અને વ્યાપારી પ્રવૃત્તિઓ ફરી શરૂ કરવાની પરવાનગી આપી રહી છે ત્યારે અનેક ઉદ્યોગો કામદારોને નોકરીમાંથી હટાવી રહ્યા છે એ યોગ્ય નથી એમ ઠાકરેએ કહ્યું.
ઠાકરેએ એવી નોંધ પણ લીધી હતી કે લોકડાઉનને કારણે જે પરપ્રાંતિય કામદારો મુંબઈ-મહારાષ્ટ્રમાંથી એમના વતન રાજ્યોમાં પાછા જતા રહ્યા હતા, તેઓ ધીમે ધીમે રાજ્યમાં પાછા ફરી રહ્યા છે, કારણ કે રાજ્ય સરકારે વ્યાપારી પ્રવૃત્તિઓને ફરી શરૂ કરવાની પરવાનગી આપી દીધી છે.
ઠાકરેએ કહ્યું કે, આજે આપણી પાસે નોકરીઓ ઉપલબ્ધ છે, પરંતુ કામદારો નથી. અનેક ઉદ્યોગોએ કામદારોના પગાર કાપવાનું કે એમને છૂટા કરવાનું શરૂ કર્યું છે, આ યોગ્ય નથી. આ મુદ્દે ઉદ્યોગપતિઓ સાથે ચર્ચા કરવાની જરૂર છે, કારણ કે એમને જે તકલીફો પડી રહી છે એ દૂર કરવા રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. મહાજોબ્સ પોર્ટલ સમયની જરૂરિયાત છે.
ઠાકરેએ સત્તાવાળાઓને કહ્યું છે કે આ મહાજોબ્સ પોર્ટલ મારફત ખરેખર કેટલા અરજદારોને નોકરી મળે છે એની પર તેઓ નિયમિત રીતે ધ્યાન રાખે.
ઈચ્છુક અરજદાર નીચેની લિન્ક પર ક્લિક કરીને વેબસાઈટ પર જઈ પોતાની માહિતી ભરી શકે છેઃ http://www.mahajobd.maharashtra.gov.in
આ પોર્ટલનું સંચાલન મહારાષ્ટ્ર ઈન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (MIDC) કરનાર છે.
ઉદ્યોગ પ્રધાન સુભાષ દેસાઈએ કહ્યું કે જુદા જુદા 17 ક્ષેત્રોમાં નોકરી માટે લોકો અરજી કરી શકશે. આમાં એન્જિનીયરિંગ, લોજિસ્ટિક, ટેક્સટાઈલ અને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રોનો સમાવેશ થાય છે. આ પોર્ટલ પર સ્કિલ્ડ, સેમી-સ્કિલ્ડ અને અનસ્કિલ્ડ અરજદારો પણ નોકરી માટે અરજી કરી શકે છે. આ પોર્ટલ દ્વારા માલિકો, ઉદ્યોગો તથા સરકારનો સંપર્ક કરી શકાશે.