કોરોનાથી મુંબઈ બરબાદ; ચીન કરતાંય વધારે મૃત્યુ નોંધાયા

મુંબઈઃ કોરોના વાઈરસ મહાબીમારીએ મુંબઈ મહાનગરમાં કાળો કેર વર્તાવ્યો છે. કોવિડ-19ના આંકડા દરરોજ નવો અને ગંભીર રેકોર્ડ સર્જે છે. નવો રેકોર્ડ એ છે કે મુંબઈએ કોરોના કેસ અને આ રોગથી થયેલા મરણની સંખ્યામાં ચીન દેશને પાછળ રાખી દીધો છે. આ જીવલેણ-ઘાતક વાઈરસ ચીનમાં પેદા થયો હતો.

દેશની આર્થિક રાજધાની મુંબઈમાં અત્યાર સુધીમાં કોરોનાના 85,724 કેસ નોંધાયા છે અને આ રોગથી મૃત્યુ પામેલાઓની સંખ્યા 4,938 છે. જ્યારે ચીનમાં આ બંને આંકડા અનુક્રમે 83,565 અને 4,634 છે.

ચીનમાં કોરોનાના જે નવા કેસ નોંધાયા છે તે જોકે સિંગલ આંકડામાં છે.

મહારાષ્ટ્રએ પણ એક વિક્રમ કર્યો છે. આ રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના 2,11,987 કેસો નોંધાયા છે. રાજ્યએ આમાં તૂર્કી દેશને પાછળ રાખી દીધો છે જ્યાં કોરોના કેસોનો આંકડો 2,05,758 છે.

ગઈ 4 જૂને મહારાષ્ટ્ર રાજ્યએ જર્મની (1,98,064) અને દક્ષિણ આફ્રિકા (2,05,721) દેશોને પાછળ રાખી દીધા હતા. આ બંને દેશ વૈશ્વિક યાદીમાં 16મા અને 15મા નંબર પર છે.

મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે 9,026 મૃત્યુ થયા છે અને કુલ 2,11,987 કેસ થયા છે. આમાં 87,681 કેસ સક્રિય છે. રાજ્યમાં મૃત્યુ દર 4.26 ટકા છે અને રીકવરી રેટ 54.37 છે.

રાજ્યના 36 જિલ્લાઓમાંથી માત્ર બે જિલ્લા – ભંડારા અને ચંદ્રપુર, એવા છે જ્યાં કોરોનાને કારણે એકેય જણનું મૃત્યુ થયું નથી.