કોરોનાનો પ્રકોપ; મુંબઈમાં બસ-લોકલ ટ્રેન સેવા બંધ કરવાનો હાલ વિચાર નથીઃ ઉદ્ધવ ઠાકરે

મુંબઈઃ દુનિયાભરમાં હાહાકાર મચાવી દેનાર કોરોના વાઈરસે ભારતમાં પણ ફેલાવો કરી દીધો છે. 114 જણને આ રોગ લાગુ પડી ગયો છે. સૌથી વધારે દર્દી મહારાષ્ટ્રમાં છે – 39. રાજ્યના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ આજે અમુક જાહેરાતો કરી છે. એમણે કહ્યું છે કે કોરોનાને ધ્યાનમાં લઈને મહારાષ્ટ્ર માટે આગામી 15 દિવસ મહત્ત્વના છે. પરંતુ સમગ્ર રાજ્યમાં લોક-ડાઉન કરવાનો સરકારનો હાલ કોઈ વિચાર નથી.

અહીં પત્રકાર પરિષદમાં ઠાકરેએ કહ્યું કે સરકાર તમામ નિર્ણય જનતાના હિત માટે જ કરે છે. એ માટે જનતા પોતે પણ સરકારને સહકાર આપશે એની અમને ખાતરી છે. હાલની પરિસ્થિતિમાં રાજ્યના કોઈ પણ શહેરમાં લોક-ડાઉન ઘોષિત કરવાની કોઈ જરૂર જણાતી નથી.

ઠાકરેએ એવી અપીલ કરી છે કે ધાર્મિક સ્થળોએ લોકોની ભીડ જમા થવા દેવી ન જોઈએ. આવી અપીલ ઠાકરેએ તમામ ધર્મોના ધર્મગુરુઓ, સ્વામીજીઓ, મંદિર-મસ્જિદોને કરી છે.

ઠાકરેએ એમ પણ કહ્યું કે કોરોના વાઈરસના ફેલાવાને ધ્યાનમાં લઈને તમામ રાજકીય કાર્યક્રમો, યાત્રાઓ, સભાઓ પર પ્રતિબંધ મૂકવાની જરૂર ઊભી થઈ છે.

સરકારે સમગ્ર રાજ્યમાં એસ.ટી. તથા રેલવે તંત્રોના અધિકારીઓને સૂચના આપી છે કે એમણે પરિસરોને સ્વચ્છ રાખવા. સંપૂર્ણ સ્વચ્છતા માટેની એક જ પદ્ધતિ હોવી જોઈએ. એ ડિઝાઈન રાજ્ય સરકાર તરફથી એસટી અને રેલવે તંત્રને આપવામાં આવી છે.

હાલના સંજોગોમાં બસ સેવા અને લોકલ ટ્રેન સેવા બંધ કરવાનો સરકારનો વિચાર નથી, એવી સ્પષ્ટતા ઠાકરેએ કરી છે.

ઠાકરેએ એવી પણ જાહેરાત કરી છે કે મહારાષ્ટ્રમાં આવતીકાલથી વધુ આદેશ ન મળે ત્યાં સુધી મુંબાદેવી મંદિર તથા પુણે શહેરનું દગડૂશેઠ હલવાઈ ગણપતિ મંદિર બંધ રાખવામાં આવશે.