નીતિન દેસાઈને માથે અઢીસો કરોડનું દેવું હતું; સ્ટુડિયો જપ્ત થવાનો હતો

મુંબઈઃ હિન્દી અને મરાઠી ફિલ્મોના 58 વર્ષીય પ્રસિદ્ધ કલા દિગ્દર્શક નીતિન દેસાઈએ પડોશના રાયગડ જિલ્લાના કર્જત શહેરમાં એમના સ્ટુડિયોમાં આજે આત્મહત્યા કર્યાના સમાચારે મનોરંજન જગતમાં સનસનાટી ફેલાવી છે. કહેવાય છે કે તેઓ અત્યંત આર્થિક ભીંસમાં આવી ગયા હતા. એમને માથે આશરે અઢીસો કરોડ રૂપિયાનું દેવું હતું. એને લીધે એમના એન.ડી. સ્ટુડિયોને જપ્ત કરવાની કાર્યવાહી પણ શરૂ થવાની હતી. એમણે તેમના સ્ટુડિયોમાં જ ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી છે. તેઓ લટકતી હાલતમાં મૃત અવસ્થામાં મળી આવ્યા હતા. અહેવાલ અનુસાર, દેસાઈને માથે આશરે 252 કરોડનું દેવું હતું. એને કારણે તેઓ છેલ્લા કેટલાક દિવસોથી આર્થિક મુશ્કેલીમાં હતા. એમના સ્ટુડિયોને જપ્ત કરવાનો આદેશ રાયગડ જિલ્લા અધિકારીએ આપ્યો હતો.

ઈસીએલ ફાઈનાન્સ કંપની પાસેથી બે લોનના રૂપમાં કુલ રૂ. 185 કરોડ ઉછીના લીધા હતા. તેઓ એ રકમ પરત કરી શક્યા નહોતા એટલે બેન્ક્રપ્સી કોર્ટે એમની કંપની એનડીઝ આર્ટ વર્લ્ડ પ્રા.લિ. વિરુદ્ધ નોંધાવવામાં આવેલી નાદારી અંગેની પીટિશનનો સ્વીકાર કર્યો હતો. એડલવાઈસ એસેટ રીકન્સ્ટ્રક્શન કંપનીએ દેસાઈની કંપની સામે નોંધાવેલી કોર્પોરેટ નાદારી રિઝોલ્યૂશન પ્રક્રિયા હાથ ધરવા માટે નોંધાવેલી પીટિશનને નેશનલ કંપની લૉ ટ્રિબ્યુનલ (એનસીએલટી)નો મુંબઈ બેન્ચે સ્વીકાર કર્યો છે. આ મામલને સંભાળવા માટે વચગાળાના રિઝોલ્યૂશન પ્રોફેશનલ તરીકે જિતેન્દ્ર કોઠારીની નિમણૂક કરવામાં આવી હતી.