મુંબઈઃ ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે મુંબઈમાં દિવાળીનો તહેવાર શાંતિપૂર્ણ રહ્યો હોવાનું એક સર્વેક્ષણમાં નોંધવામાં આવ્યું છે. જોકે ગયા વર્ષ કરતાં આ વર્ષે ફટાકડા વધારે ફૂટ્યા હતા. ગયા વર્ષે કોરોનાવાઈરસને લગતા અનેક નિયંત્રણો હતા એટલે ફટાકડાનો ઉપયોગ ઓછો રહ્યો હતો. ‘આવાઝ ફાઉન્ડેશન’ નામની બિન-સરકારી સંસ્થા અવાજનું પ્રમાણ ઘટેલું રહે એ માટે સતત પ્રચાર કરતી રહે છે. તેનાં સ્થાપક સુમાઈરા અબ્દુલાલીના જણાવ્યા મુજબ, આ વખતે દિવાળીના દિવસે મુંબઈમાં અવાજનું સ્તર ઘણું ઓછું રહ્યું હતું.
સમગ્ર શહેરમાં મધ્ય મુંબઈના દાદર વિસ્તારમાં અવાજનું પ્રમાણ સૌથી વધારે – 100.4 ડીબી રહ્યું. સામાન્ય રીતે, દર વર્ષે દક્ષિણ મુંબઈના મરીન ડ્રાઈવ વિસ્તારમાં દિવાળી દરમિયાન મોટા પાયે ફટાકડા ફોડવામાં આવતા હોય છે. પરંતુ આ વખતે આ વિસ્તાર સંપૂર્ણપણે શાંત રહ્યો હતો. રાતે 10 વાગ્યા પહેલાં ફટાકડા ફોડવાની ડેડલાઈન લાગુ કરવામાં આવી હોવાથી અને ત્યાં ઘણા પોલીસજવાનો પહેરો ભરતા હોવાથી ફટાકડા ફોડનારાઓ જોવા મળ્યા નહોતા. પર્યાવરણને હાનિ ન પહોંચાડે એવા ‘ગ્રીન ક્રેકર્સ’ ફટાકડા જેવા કે ફૂલઝર, દાડમ, જમીનચકરી અને આકાશમાં આતશબાજી કરતા ફટાકડા આ વર્ષે વધારે ફૂટ્યા હતા. આ વર્ષે દિવાળી પૂર્વે જ મેયર કિશોરીતાઈ પેડણેકરે નાગરિકોને અપીલ કરી હતી કે તેઓ અવાજ અને હવાનું પ્રદૂષણ વધારે એવા ફટાકડા ન ફોડે. ગયા વર્ષે તો કોરોનાને કારણે મહાનગરપાલિકાએ ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂક્યો હતો, પરંતુ આ વખતે દિવાળીના દિવસે ખાનગી ઈમારતોમાં પરવાનગી આપી હતી.