ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો શો’ સ્પેનમાં સમ્માનિત

ધનતેરસના દિવસે આપણા માટે એક ઘણા સારા સમાચાર આવ્યા છે. પાન નલિન દિગ્દર્શિત ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો શો’ (અંગ્રેજીઃ ‘ધ લાસ્ટ ફિલ્મ શો’)ને 66મા ‘વૅલાડોલિડ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ’માં ‘ગોલ્ડન સ્પાઈક એવૉર્ડ’થી સમ્માનિત કરવામાં આવી છે. એવૉર્ડમાં સામેલ છે ટ્રોફી તથા 75000 યુરો (આશરે 65 લાખ રૂપિયા)નો રોકડ પુરસ્કાર. કૅશ પ્રાઈઝ ‘છેલ્લો શો’ના સ્પેનિશ ડિસ્ટ્રિબ્યુટર ‘કર્મા ફિલ્મ્સ’ને આપવામાં આવશે. સ્પેનના ખૂબસૂરત શહેર વૅલાડોલિડમાં 23 ઑક્ટોબરથી 30 ઑક્ટોબર દરમિયાન આ ફિલ્મ ફેસ્ટિવલ યોજાઈ ગયો.

લેખક-દિગ્દર્શક પાન નલિને ‘ચિત્રલેખા’ સાથે ટેલિફોનિક ટૉકમાં જણાવ્યું કે “સૌરાષ્ટ્રના અંતરિયાળ ગ્રામવિસ્તારમાં ચિત્રિત થયેલી ‘છેલ્લો શો’ દુનિયાભરના સિનેમાપ્રેમીને ગમવા માંડી છે અને આપણા સૌરાષ્ટ્રના કુદરતી સૌંદર્યને મોટા પરદા પર માણી રહ્યા છે એનો અમને આનંદ છે. એમાંય ‘સેમિન્સી’ ખાતે ‘ગોલ્ડન સ્પાઈક’ જીતવો એ ગર્વની વાત છે.”

અમરેલી જિલ્લાના ખીજડિયા નજીક જન્મેલા નલિન રમણિકલાલ પંડ્યા એટલે કે પાન નલિને ફિલ્મનું શૂટિંગ પણ અમરેલીની આસપાસ જ કર્યું છે. વાર્તાનો સમયકાળ છેઃ 2009-2010. ભારતીય સિનેમા ઉદ્યોગ સેલ્યુલૉઈડથી (કચકડાની પટ્ટીથી) ડિજિટલ તરફ જઈ રહ્યો છે, દેશનાં સિંગલ સ્ક્રીન થિએટરો બંધ થઈ રહ્યાં છે. બંધ નથી થયાં એ બિસમાર હાલતમાં છે.

વાર્તાના કેન્દ્રમાં છે સમય નામનો નવ વર્ષનો એક બાળક. રાજકોટના ગૅલેક્સી થિયેટરમાં જીવનની પહેલી ફિલ્મ જોઈને એની લાઈફ અપસાઈડ ડાઉન થઈ જાય છે. એ સિનેમાની જાદુઈ સૃષ્ટિના પ્રેમમાં પડી જાય છે. ઘરવાળાને એની ચિંતા થવા લાગે છે… આ દરમિયાન સમય પેલા ગૅલેક્સી થિએટરના પ્રોજેક્શનિસ્ટ ફઝલ સાથે દોસ્તી કરે છે. ફઝલ એને ફિલ્મ જોવા દે, બદલામાં એને સમયના ટિફિનમાંથી જે ઈચ્છા થાય એ ખાવાની છૂટ. આમ, સ્વાદ સાટે સિનેમાવાળી દોસ્તી આગળ જતાં કેવોક રંગ પકડે છે એ જાણવા ફિલ્મ જોવી પડે.

1956થી શરૂ થયેલો ‘સેમિન્સી ફિલ્મ ફેસ્ટિવલ’ દુનિયાભરના સિનેમાપ્રેમી, કલાકાર-કસબીઓ માટે ઘણો મહત્વનો ફિલ્મોત્સવ ગણાય છે. છેલ્લા ચાર દાયકામાં ‘છેલ્લો શો’ આ એવૉર્ડ જીતનારી બીજી ભારતીય ફિલ્મ બની છે. 1983માં મૃણાલ સેનની ‘ખારીજ’ને આ એવૉર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ‘સેમિન્સી’માં સમ્માનિત થયેલી મોટા ભાગની ફિલ્મો આંતરરાષ્ટ્રીય શ્રેણીમાં ‘ઓસ્કાર’ જીતે છે.

ફિલ્મના યુવા નિર્માતા ધીર મોમાયાના જણાવ્યા મુજબ “છેલ્લો શો એક ફીલ-ગુડ, સ્વીટ મૂવી છે. એને દુનિયાભરના ફિલ્મપ્રેમીઓ વધાવી રહ્યા છે એનો અમને આનંદ હોય જ, પણ હું એને ભારતમાં રિલીઝ કરવા માટે વધુ ઉત્સુક છું, કારણ કે ભારતના પ્રેક્ષકોની પ્રતિક્રિયા અમારે જાણવી છે.”

2021ના જૂનમાં ‘છેલ્લો શો’નો વર્લ્ડ પ્રીમિયર ન્યુ યૉર્કના પ્રતિષ્ઠિત ‘ટ્રિબેકા ફિલ્મ ફેસ્ટિવલ’માં યોજાયો હતો, જ્યાં એને ઑડિયન્સ એવૉર્ડ શ્રેણીમાં ફર્સ્ટ રનર અપથી સમ્માનિત કરવામાં આવી હતી.

– કેતન મિસ્ત્રી (મુંબઈ)