તહેવારોમાં લોકોની ભીડ જોતાં કોરોનાની ત્રીજી-લહેરની આશંકા

નવી દિલ્હીઃ દેશમાં ભલે કોરોના વાઇરસના દૈનિક નવા કેસોમાં ઘટાડો થઈ રહ્યો હોય, પણ દિવાળીના તહેવારને લઈને બજારોમાં જે રીતે ભીડ ઊમટી રહી છે, એ જોતાં તહેવારોની સીઝન પૂરી થયા પછી કોરોના કેસોમાં  સંભવિત અચાનક વધારો થવાને લઈ ચિંતા પ્રવર્તી રહી છે. દિવાળીના તહેવાર શરૂ થઈ ગયા છે. કેટલાંય રાજ્યોમાં લોકો માસ્ક નથી પહેરી અને સામાજિક અંતરનું પણ નથી જાળવતા, જેથી લોકોની લાપરવાહીને કારણે કોરોના કેસોમાં ફરી વધારો થાય તો નવાઈ પામવા જેવું નહીં રહે.

આ સિવાય દેશનાં કેટલાંય રાજ્યોમાં કોરોના વાઇરસના ડેલ્ટા સંસ્કરણ AY.4.2 વેરિયેન્ટના કેસો નોંધાઈ ચૂક્યા છે. જેનાથી ભવિષ્યમાં ત્રીજી લહેર પ્રસરવાનું એક કારણ છે. AY.4.2 કોરોના વાઇરસનો એક પ્રકાર છે, જેને સૌપ્રથમ વાર ગયા વર્ષે ઓક્ટોબરમાં દેશમાં ઓળખવામાં આવ્યો હતો, એ ડેલ્ટા વેરિયેન્ટનો એક પ્રકાર છે. એ પહેલી વાર જુલાઈમાં બ્રિટનમાં જોવા મળ્યો હતો અને હાલના દિવસોમાં એ સબવેરિયેન્ટથી જોડાયેલા કેસોમાં વધારો જોવા મળ્યો હતો.

WHOના જણાવ્યાનુસાર AY.4.2 પ્રકારના કેસોની સંખ્યા વિશ્વમાં વધી રહી છે. હાલ એના 26,000 કેસો નોંધાયા છે. એ મૂળ ડેલ્ટા વેરિયન્ટની તુલનાએ કમસે કમ 15 વધુ સંક્રમક છે. કેન્દ્ર અને રાજ્ય સરકારોએ તહેવારોની સીઝનમાં લોકોને માસ્ક પહેરવાની અને સામાજિક અંતર જાળવવાના મહત્ત્વને સમજાવ્યું હતું, કેમ કે નિષ્ણાતોએ દિવાળી પછી કોરોના કેસોમાં વધારાની ભવિષ્યવાણી કરી રહ્યા છે.

વળી, હાલમાં ICMRના ડિરેક્ટર જનરલ ડો. બલરામ ભાર્ગવે ચેતવણી આપી હતી કે રસીકરણ બીમારીને નથી રોકતું પણ એની ગંભીરતાને ઓછી કરે છે.