આનંદ બક્ષીએ એવોર્ડની આશા છોડી

ગીતકાર આનંદ બક્ષીને એક ગીત માટે ફિલ્મફેરનો એવોર્ડ ન મળતાં ફરી ક્યારેય એવોર્ડ નહીં મળે એમ માની લીધું હતું. એ પછી એમને એવોર્ડ જરૂર મળ્યા પણ એમને મન એનું મહત્વ રહ્યું ન હતું. એમણે લખેલા કેટલાક ગીતો વાસ્તવિક પરિસ્થિતિમાંથી સર્જાયા હતા. એમાં ‘મિલન’ (૧૯૬૭) ના બે ગીતો પાનના ગલ્લા પર ઊભા હતા ત્યારે સૂઝ્યા હતા. સુનીલ દત્ત- નૂતનની ફિલ્મ ‘મિલન’ થી ગીતકાર આનંદ બક્ષીને પહેલી મોટી સફળતા મળી હતી. એ પછી પાછા વળીને જોવું પડ્યું ન હતું. નિર્માતા એલ.વી. પ્રસાદે નિર્દેશક અધુર્થી સુબ્બા રાવની ફિલ્મફેરનો શ્રેષ્ઠ ફિલ્મનો અને રાષ્ટ્રીય એવોર્ડ મેળવનારી તેલુગુ ફિલ્મ ‘મુગા મનાસુલુ’ (૧૯૬૩) ની હિન્દી રીમેક તરીકે ‘મિલન’ એમના જ નિર્દેશનમાં બનાવવાનું નક્કી કર્યું હતું. ગીતકાર તરીકે આનંદ બક્ષી અને સંગીતકાર તરીકે લક્ષ્મીકાંત–પ્યારેલાલને લીધા હતા. અને ત્રણેય માટે કારદાર સ્ટુડિયોમાં એ ફિલ્મનો ટ્રાયલ શો રાખવામાં આવ્યો હતો.

ત્રણેય એ તેલુગુ ફિલ્મ જોઇને બહાર નીકળ્યા અને એક પાનની દુકાન પર રોકાયા. કેમકે લક્ષ્મીકાંત હંમેશા ત્યાં પાન ખાતા હતા. ત્યારે આનંદ બક્ષી એ વાતથી ખુશ હતા કે તેમને ત્રણેયને એક મોટી ફિલ્મમાં કામ કરવા મળી રહ્યું છે. આ વાત વિચારીને તે ભાવુક થઇ ગયા અને બધાને શુભેચ્છા આપતાં કહ્યું કે,’મુબારક હો સબકો, સમાં યે સુહાના, મેં ખુશ હૂં મેરે આંસુઓ પે ના જાના.’ જ્યારે ફિલ્મના ગીતો લખવાનું શરૂ કર્યું ત્યારે આ જ શબ્દો મુકેશના સ્વરમાં એક ગીતનું મુખડું બની ગયા.

 

આ ફિલ્મના મુકેશ અને લતા મંગેશકરે ગાયેલા ગીત ‘સાવન કા મહિના, પવન કરે સોર..’ માં નવીનતા હોવાથી પણ ખૂબ લોકપ્રિય રહ્યું. આ ગીત પણ તેમને પાનની દુકાન પરની વાતચીતમાંથી મળ્યું હતું. આનંદ બક્ષી અને લક્ષ્મીકાંત પાન ખાઇ રહ્યા હતા ત્યારે પાનવાળો કોઇની સાથે વાતવાતમાં ‘ સોર’ ને બદલે ‘શોર’ જ બોલતો હતો. એ વાતને ધ્યાનમાં રાખીને બક્ષીએ ‘સાવન કા મહિના, પવન કરે સોર..’ નું મુખડું લખીને લક્ષ્મીકાંતને સંભળાવ્યું ત્યારે તેમને પસંદ આવ્યું એટલે ગીતના બધા જ અંતરા લખી કાઢ્યા. આ ગીત ખૂબ લોકપ્રિય રહ્યું. આનંદ બક્ષીને જ નહીં ગાયક મુકેશને પણ એના માટે ફિલ્મફેરનો પુરસ્કાર મળવાની આશા હતી.

આ ગીતની લોકપ્રિયતાનો અંદાજ એ પરથી પણ આવશે કે ૧૯૬૭ માં અમીન સયાનીના ‘બિનાકા ગીતમાલા’ માં તે ટોચ પર રહ્યું હતું. પરંતુ એવોર્ડ ના મળ્યો ત્યારે બંને નિરાશ થઇ ગયા. બંને સાથે જ દુ:ખથી રડ્યા પણ હતા. આનંદ બક્ષીને ત્યારે થયું કે હવે ક્યારેય ફિલ્મફેરનો એવોર્ડ જીતી શકશે નહીં. કેમકે આનાથી વધુ સારું ગીત તે લખી શકવાના નથી. ત્યારથી તેમને કોઇ એવોર્ડસ પર વિશ્વાસ રહ્યો નહીં. તેમણે માન્યું કે જો આટલું સારું ગીત મને એવોર્ડ અપાવી ના શકે તો મારે એવોર્ડની આશા રાખવી જોઇએ નહીં. અલબત્ત એ પછી તેમની કલમની કદર થઇ અને કારકિર્દીમાં લગભગ ચાલીસ વખત નામાંકન થયા એમાં વર્ષ ૧૯૭૯ ની ‘અપનાપન’ (આદમી મુસાફિર હૈ…), ૧૯૮૨ ની ‘એક દુજે કે લિએ’ (તેરે મેરે બીચમેં…), ૧૯૯૬ ની ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ (તુઝે દેખા…) અને ૨૦૦૦ ની ‘તાલ’ (ઇશ્ક બીના…) જેવી ચાર ફિલ્મો માટે ફિલ્મફેરનો શ્રેષ્ઠ ગીતકારનો એવોર્ડ મળ્યો હતો.