હેમા અભિનેત્રીના સપના વગર ‘ડ્રીમગર્લ’ બની

રાજ કપૂરની ફિલ્મ ‘સપનોં કા સૌદાગર’ (૧૯૬૮) થી હિન્દી ફિલ્મોની ‘ડ્રીમગર્લ’ બનેલી હેમા માલિનીએ જ નહીં તેની માતાએ પણ સપનામાં વિચાર્યું ન હતું કે તે અભિનેત્રી બનશે. માતા જયા તો ઇચ્છતી હતી કે હેમા એક નૃત્યાંગના બને. હેમાએ આમ તો એક તમિલ ફિલ્મથી અભિનયની શરૂઆત કરી હતી. અને પોતાનું નામ બદલ્યું હતું. પરંતુ એ ફિલ્મથી એવો આઘાત મળ્યો કે એના નિર્માતાને બતાવી આપવાની એક ધૂન મા-દીકરી પર સવાર થઇ ગઇ હતી. હેમાને જ્યારે એક તમિલ નિર્માતાએ ફિલ્મ માટે પસંદ કરી ત્યારે પિતાએ પહેલાં તો ના પાડી દીધી હતી. અલબત્ત માતાએ એમને મનાવી લીધા. એ તમિલ ફિલ્મમાં હેમા ઉપરાંત જે.જયલલિતાની ભૂમિકા હતી. નિર્માતાએ હેમા માલિની નામ યોગ્ય લાગતું ના હોવાથી બદલીને ‘સુજાતા’ કરાવી દીધું. હેમાની મા આ વાતથી ખુશ ન હતી. પરંતુ નિર્માતા પર વિશ્વાસ રાખીને સંમતિ આપી દીધી.

ફિલ્મની ભવ્ય જાહેરાત પછી શુટિંગ શરૂ થઇ ગયું. પાત્રના વિચિત્ર પોશાક પહેરાવ્યા હોવાથી ફિલ્મમાં હેમાનું મન બહુ લાગતું ન હતું. પહેલું શુટિંગ શિડ્યુલ પૂરું થયા પછી હેમાને પાછી બોલાવવામાં આવી નહીં. આ ફિલ્મ નિર્માતા-નિર્દેશક સી.વી શ્રીધરની ‘વેન્નિરા આદાઇ’ (૧૯૬૫) હોવાનું કહેવાય છે. એક દિવસ હેમાએ અખબારમાં વાંચ્યું ત્યારે ખબર પડી કે નિર્માતાએ તેના સ્થાને બીજી અભિનેત્રીને ભૂમિકા સોંપી દીધી છે. હેમા અને તેની માને આ કારણે મોટો આઘાત લાગ્યો હતો. કેમકે એમણે ફિલ્મમાં કામ કરવા સામેથી ઓફર આપી હતી. અને જાણ કર્યા વગર કાઢી મૂકી હતી. હેમાએ જ્યારે પૂછ્યું ત્યારે નિર્માતાએ એમ કહ્યું કે તેનામાં સ્ટાર બનવાના ગુણ નથી ત્યારે તેને અપમાન જેવું લાગ્યું.

થોડા દિવસો સુધી હેમા દુ:ખી રહી અને પછી એ અઘાતમાંથી બહાર આવી ગઇ. તેની સ્વાભિમાની મા એમાંથી જલદી બહાર આવી શકી ન હતી. તેની મનોદશા જોઇ હેમાએ એક સંકલ્પ કરીને માને કહ્યું હતું કે તે ફિલ્મોમાં કામ કરશે. અભિનેત્રી બનીને જ રહેશે અને સફળતા મેળવશે. દરમ્યાનમાં એક જાણીતા નિર્માતાએ ડાન્સનો કાર્યક્રમ આયોજિત કર્યો. જેમાં નિર્માતા અનંત સ્વામીની હેમા પર નજર પડી. એમણે તેનાથી પ્રભાવિત થઇ પ્રોત્સાહન આપવા પોતાના ઘરે નૃત્યનો એક ખાસ કાર્યક્રમ આયોજિત કર્યો. જેમાં વિવિધ નૃત્ય સંસ્થાઓ અને નૃત્યના જાણકારોને આમંત્રિત કર્યા. એ કાર્યક્રમ સફળ રહ્યો. એ સમય પર મદ્રાસસમાં અગાઉથી જ એક હેમા માલિની નામની નૃત્યાંગના હતી. એટલે એને નૃત્ય સંસ્થાઓ દ્વારા ‘દિલ્લી હેમા માલિની’ ની ઓળખ આપવામાં આવી હતી.

એક દિવસ અનંત સ્વામી એમના ઘરે આવ્યા અને રાજ કપૂરની હીરોઇન બનવાની તક હોવાની વાત કરી. હેમા તરત જ તૈયાર થઇ ગઇ. ત્યારે રાજ કપૂરની ‘સંગમ’ રજૂ થયાને વધારે સમય થયો ન હતો. તે નવી ફિલ્મ માટે વૈજયંતિમાલાનો વિકલ્પ બની શકે એવી કોઇ સુંદર અને નૃત્ય જાણતી યુવતીની શોધમાં હતા. હેમાએ સ્ક્રીન ટેસ્ટ આપ્યો અને એને ‘સપનોં કા સૌદાગર’ માટે પસંદ કરી લેવામાં આવી. ત્યારે હેમા અને તેની માનો એક જ હેતુ હતો કે દક્ષિણની ફિલ્મના એ દગાખોર નિર્માતાને સબક મળવો જોઇએ. ફિલ્મ સાઇન કર્યા પછી એક વાતનો સંતોષ થયો કે એ નિર્માતાને જવાબ મળી ગયો હશે. હેમા અભિનયમાં લાંબી કારકિર્દી બનાવવા માગતી ન હતી. એક-બે ફિલ્મો પછી અભિનય છોડી દેવાની હતી. પોતે અભિનેત્રી બની શકે છે એ દક્ષિણના નિર્માતાને બતાવવા માગતી હતી. પરંતુ સફળતા પછી તે એક ‘ડ્રીમગર્લ’ બની ગઇ અને એટલી ફિલ્મો મળવા લાગી કે અભિનય છોડવાનો વિચાર કરી શકી નહીં.

-રાકેશ ઠક્કર (વાપી)