યશજીએ સાહિરનો સાથ ના છોડ્યો

યશ ચોપડાની ફિલ્મોના કાયમી ગીતકાર સાહિર લુધિયાનવીને કારણે આનંદ બક્ષીને પહેલી કવ્વાલી લખવાની તક મળી હતી. અને આનંદ બક્ષી માટે ભલામણ છતાં યશ ચોપડાએ એમના જીવતા સુધી સાહિરનો ક્યારેય સાથ છોડ્યો નહીં. આનંદ બક્ષી એ દિવસોમાં ગીતકાર તરીકે સંઘર્ષ કરતા હતા ત્યારે ફિલ્મ ‘કાલા સમુંદર’ (૧૯૬૧) ના સંગીતકાર દત્તાએ એમને ઘરે બોલાવ્યા. તેઓ એક કવ્વાલીનું સંગીત તૈયાર કરી રહ્યા હતા અને એના માટે ડમી શબ્દોની જરૂર હતી. એ ગીતને પછીથી સાહિર લુધિયાનવી લખવાના હતા. આનંદે એમને કવ્વાલીનું મુખડું ‘મેરી તસવીર લેકર ક્યા કરોગે તુમ, દિલ-એ-દિલગીર લેકર, લૂટી જાગીર લેકર, જલી તકદીર લેકર ક્યા કરોગે તુમ’ લખી આપ્યું. દત્તાએ આ ડમી શબ્દો પર ધૂન બનાવી દીધી.

સાહિર લુધિયાનવી આવ્યા અને જ્યારે આનંદના ડમી શબ્દો સાંભળ્યા ત્યારે એવો આગ્રહ કર્યો કે આખું ગીત એ જ પૂરું કરી દે. જ્યારે આનંદે સવાલ-જવાબની શૈલીમાં આખી કવ્વાલી લખી આપી ત્યારે એનાથી સાહિર એટલા પ્રભાવિત થયા કે એમણે ફિલ્મના બધાં જ ગીતો લખાવવાનું કહ્યું. એમણે એક નવા ગીતકારને આખી ફિલ્મના ગીતો લખવાનું કામ અપાવી દીધું. એમ કહેવાય છે કે આનંદ બક્ષીની કલમને સાહિરે સૌથી પહેલાં ઓળખી હતી. અને એમણે સલાહ આપી હતી કે ફિલ્મી દુનિયામાં સ્થાન બનાવવા લોકોને મળતા રહેવું. કામ મેળવવાનો એ જ માર્ગ છે. ત્યારથી આનંદે દરરોજ પાંચથી છ ફિલ્મી વ્યક્તિઓને મળવાનો નિયમ બનાવ્યો હતો. આનંદ બક્ષી પણ માનતા કે સરળ શબ્દોને શાયરીમાં ઢાળવાનું તે સાહિર પાસેથી જ શીખ્યા હતા. એમના શુભચિંતક તરીકે સાહિરે ઘણા નિર્માતા સાથે મુલાકાત કરાવી હતી અને આનંદ બક્ષીના નામની ભલામણ પણ કરી હતી. એમાં એક યશ ચોપડા હતા. તેઓ સાહિર સિવાય બીજા કોઇ ગીતકાર પાસે ગીતો લખાવતા ન હતા.

સાહિર ઘણી વખત યશજીને કહેતા કે તમે આનંદ પાસે ગીતો કેમ લખાવતા નથી. એ સારું લખે છે. આનંદ બક્ષી પણ જાણતા હતા કે સાહિર એમના ગીતકાર છે એટલે યશ ચોપડા પાસે ક્યારેય કામ માંગ્યું ન હતું. યશજી પોતાની ફિલ્મોમાં સાહિરના ગીતોથી ખુશ હતા એટલે ક્યારેય બીજા ગીતકાર સાથે વાત કરી ન હતી. એક વખત નિર્માતા ગુલશન રાયે ‘જોશીલા'(૧૯૭૩) ની યોજના બનાવીને સંગીતકાર તરીકે આર.ડી. બર્મનને લીધા ત્યારે બંનેએ સલાહ આપી કે ગીતો માટે આનંદ બક્ષીનો સંપર્ક કરવો જોઇએ. યશજીએ એમની સાથે મુલાકાત કરી અને કામ સોંપ્યું ત્યારે એમણે એવો સવાલ પણ ના કર્યો કે સાહિર પાસે કેમ લખાવતા નથી. પરંતુ યશ ચોપડાને પોતાના ઘરે ગયા પછી મનમાં ગુનાહિત લાગણી થઇ કે તે વર્ષોથી દોસ્ત રહેલા સાહિર સાથે કામ કરી રહ્યા છે. એ હયાત છે ત્યાં સુધી બીજાની પાસે ગીતો લખાવવાનું યોગ્ય નથી. ભલે સાહિરે અનેક વખત આનંદની ભલામણ કરી હોય.

યશજી પાછા આનંદના ઘરે ગયા અને દિલગીરી વ્યક્ત કરી કે તે એમની પાસે ગીતો લખાવી શકે એમ નથી. સાહિર પાસે જ ગીતો લખાવશે. ત્યારે આનંદ બક્ષીએ કોઇ દુ:ખ પામ્યા વગર વાતને ખુશીથી સ્વીકારી લીધી. તે યશ ચોપડાની લાગણી સમજી શક્યા હતા. તેમણે પોતાની પહેલી ફિલ્મ ‘ધૂલ કા ફૂલ’ (૧૯૫૯) થી જ સાહિર સાથે કામ શરૂ કર્યું હતું. અને યશ –સાહિરની જોડીને ફિલ્મ જગતમાં ગીતકાર- નિર્દેશકની સૌથી વધુ સફળ જોડી ગણવામાં આવી છે. યશજીએ સમય સાથે અનેક સંગીતકારો બદલ્યા પણ ગીતકાર તો સાહિર જ રહ્યા. યશજીએ સાહિર લુધિયાનવીનું અવસાન થયું એ પછી ફિલ્મ ‘ચાંદની’ (૧૯૮૯) માટે આનંદ બક્ષીને જ યાદ કર્યા હતા. અને ‘ચાંદની’ ની સફળતાથી યશજીએ આનંદ બક્ષી પાસે ઘણી ફિલ્મોના ગીતો લખાવ્યા. એમના પુત્ર આદિત્ય ચોપડા નિર્દેશિત ફિલ્મોમાં પણ આનંદ બક્ષીએ ગીતો લખ્યા હતા.

-રાકેશ ઠક્કર (વાપી)