કોહલી-અનુષ્કાની પુત્રી પર બળાત્કારની ધમકીઃ દિલ્હી-પોલીસને નોટિસ

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીની 9-મહિનાની પુત્રી વામિકા પર બળાત્કાર કરવાની અપાયેલી ધમકીના મામલે દિલ્હી મહિલા પંચનાં અધ્યક્ષા સ્વાતી મલિવાલે આજે દિલ્હી પોલીસને નોટિસ ઈસ્યૂ કરી છે. મલિવાલે કહ્યું છે કે, ‘વિરાટ કોહલીની 9-મહિનાની પુત્રી પર બળાત્કાર કરવાની ટ્વિટર પર જે રીતે ધમકી આપવામાં આવી છે તે શરમજનક છે. આ ક્રિકેટ ટીમે આપણને હજારો વાર ગૌરવ અપાવ્યું છે, તો પરાજય થતો એમાં આવી બેવકૂફી શા માટે કરાઈ છે? આ અત્યંત ગંભીર બાબત છે અને એ માટે તત્કાળ પગલું ભરવું જોઈએ. જે લોકોએ 9-મહિનાની છોકરી પર બળાત્કારની ધમકી આપી છે એમની ધરપકડ કરો.’ સ્વાતી મલિવાલે દિલ્હીના નાયબ પોલીસ કમિશનર, સાઈબર સેલ બ્રાન્ચને કહ્યું છે કે તેઓ મહિલા પંચને એફઆઈઆરની કોપી આપે, ઓળખાયેલા આરોપીની વિગતો આપે, આરોપીની ધરપકડ કરે અને 8 નવેમ્બર સુધીમાં લીધેલા પગલાંનો વિગતવાર અહેવાલ આપે.

ઉલ્લેખનીય છે કે, 24 ઓક્ટોબરે T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે ભારતના પરાજય બાદ ભારતના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની સોશિયલ મિડિયા પર ધર્મના આધારે ટીકા કરવામાં આવી હતી. એવી ટીકા કરનારાઓની કોહલીએ પત્રકાર પરિષદમાં ઝાટકણી કાઢી હતી અને ટીકા કરનારાઓને કાયર કહ્યા હતા. તે કાયર લોકોએ કોહલી અને તેની અભિનેત્રી પત્ની અનુષ્કાની પુત્રી વામિકા માટે ધમકી આપી છે.