ક્રૂઝ-ડ્રગ-કેસની તપાસમાંથી સમીર વાનખેડેને હટાવી લેવાયા

મુંબઈઃ નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (એનસીબી)ના મુંબઈ ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે સામે ભ્રષ્ટાચારના કરાયેલા આરોપોમાં તપાસ હાથ ધરવામાં આવી હોવાને કારણે એમને મુંબઈ લક્ઝરી ક્રૂઝ ડ્રગ્સ કેસની તપાસ તેમજ અન્ય પાંચ કેસોની તપાસમાંથી હટાવી દેવામાં આવ્યા છે. મહારાષ્ટ્રના પ્રધાન નવાબ મલિકે ભ્રષ્ટાચારના આરોપો મૂક્યા બાદ સમીર વાનખેડે વિવાદના કેન્દ્રમાં આવી ગયા છે. વધુમાં, બોલીવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને સંડોવતા ક્રૂઝ ડ્રગ્સ કેસમાં એનસીબીના એક સાક્ષીદાર પ્રભાકર સાઈલે પણ ભ્રષ્ટાચારના આરોપ કરતાં વાનખેડે સામે એનસીબી દ્વારા વિજિલન્સ તપાસ શરૂ કરવામાં આવી છે.

એનસીબીના ડેપ્યૂટી ડાયરેક્ટર જનરલ, સાઉથ-વેસ્ટર્ન રીજન, મુથા અશોક જૈને કહ્યું છે કે આર્યન ખાનના કેસ તથા અન્ય પાંચ કેસ સહિત કુલ છ કેસની તપાસ, જે અત્યાર સુધી અમારું ઝોન કરતું હતું તે હવે દિલ્હીની ટૂકડીઓ કરશે. સમીર વાનખેડેની જગ્યાએ નવા પોલીસ અધિકારી સંજયસિંહને ક્રૂઝ ડ્રગ્સ કેસની તપાસ સોંપવામાં આવી છે.