મુંબઈઃ ભારતીય હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ આજે વહેલી સવારથી જ શહેરના અનેક ભાગોમાં ધીમો કમોસમી વરસાદ પડ્યો હતો. કેટલાક વિસ્તારોમાં ધોધમાર ઝાપટા પણ પડ્યા હતા. આજે સાંજે પણ આકાશ વાદળીયું થઈ ગયું હતું અને વરસાદના છાંટા પડ્યા હતા, જેને કારણે રસ્તાઓ ભીના થઈ ગયા હતા. મુંબઈવાસીઓ છેલ્લા બે-ત્રણ દિવસથી વાતાવરણમાં બફારાનો અનુભવ કરે છે. અરબી સમુદ્ર પરના આકાશમાં હવાના નીચા દબાણનું ક્ષેત્ર સર્જાતાં કસમયે વરસાદ પડ્યો છે. પૂર્વમાં મુલુંડ, ભાંડુપ, ઘાટકોપર, વિક્રોલી, પશ્ચિમના દહિસર, બોરીવલી, પડોશના થાણે જિલ્લાના ભિવંડી, નવી મુંબઈના કેટલાક ભાગોમાં વરસાદ પડ્યો હતો. ઘણાં નેટયૂઝર્સે સોશિયલ મિડિયા પર કમોસમી વરસાદના વિડિયો અને તસવીરો પોસ્ટ કર્યા છે. સામાન્ય રીતે, નવેમ્બરના આ ભાગમાં તો શિયાળાની ઠંડી પડતી હોય છે, પરંતુ અરબી સમુદ્રમાં સર્જાયેલા હવાના નીચા દબાણના ક્ષેત્રને કારણે હવામાન પલટાયું છે.
શહેરમાં લઘુત્તમ તાપમાન વધીને 26.5 ડિગ્રી નોંધાયું છે, જે આ દાયકામાં આ સમયગાળામાં સૌથી ઊંચું રહ્યું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ પણ વધી ગયું છે. હવામાન વિભાગની આગાહી છે કે 21 નવેમ્બરના રવિવારે હળવો કમોસમી વરસાદ પડવાની અને આકાશમાં વીજળીના ચમકારા જોવા મળે એવી સંભાવના છે. વચ્ચે શુક્રવાર અને શનિવાર સૂકા જવાની સંભાવના છે.