વિલે પારલેના પ્રાઈમ-મોલની ભીષણ આગ ત્રણ-કલાકે બુઝાઈ

મુંબઈઃ અહીંના વિલે પારલે (પશ્ચિમ) ઉપનગરમાં આવેલા ચાર-માળના પ્રાઈમ મોલમાં આજે સવારે ભીષણ આગ લાગી હતી. દુર્ઘટનામાં બે વ્યક્તિ ઘાયલ થઈ છે. ત્રણ કલાકે આગને કાબૂમાં લેવામાં અગ્નિશામક દળના જવાનોને સફળતા મળી હતી.

આગ સવારે લગભગ સાડા દસ વાગ્યાના સુમારે મોલના પહેલા માળ પર લાગી હતી. જાણ થતાં તરત જ અગ્નિશામક દળના જવાનો 13 ફાયર એન્જિન્સ અને આઠ વોટર ટેન્કરો સાથે પહોંચી ગયા હતા. આ અઠવાડિયામાં મુંબઈ શહેરમાં આગની આ ત્રીજી ઘટના બની છે. ગઈ કાલે પવઈ વિસ્તારમાં સાકી વિહાર રોડ પર આવેલા સાઈ ઓટોમોબાઈલ શોરૂમના ગેરેજમાં આગ લાગી હતી. તે પહેલાં, અઠવાડિયાના આરંભે કાંજૂરમાર્ગ ઉપનગરમાં એક મલ્ટીનેશનલ ઈલેક્ટ્રોનિક ચીજવસ્તુઓની કંપનીના સર્વિસ સેન્ટરમાં આગ લાગી હતી. સદ્દભાગ્યે તે બંને આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી.