અત્યાધુનિક યુદ્ધજહાજ ‘INS વિશાખાપટ્ટનમ’ ભારતીય નૌકાદળમાં સામેલ

મુંબઈઃ મુખ્ય અતિથિ તરીકે સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહની હાજરીમાં દેશનું સૌથી શક્તિશાળી યુદ્ધજહાજ INS વિશાખાપટ્ટનમ આજે અહીં ભારતીય નૌકાદળમાં સામેલ કરાયું. આધુનિક જરૂરિયાતને ધ્યાનમાં રાખીને યુદ્ધ માટે આ જહાજને બનાવવામાં આવ્યું છે. INS વિશાખાપટ્ટનમનું નિર્માણ અત્રેના મઝગાંવ નેવલ ડોકયાર્ડ ખાતે મઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ કંપની દ્વારા કરવામાં આવ્યું છે. આ યુદ્ધજહાજ મિસાઈલનો નાશ કરવા સક્ષમ છે.

આ યુદ્ધજહાજ 75 ટકા સ્વદેશી ટેક્નોલોજીથી બનાવવામાં આવ્યું છે. ભારતે બનાવેલું આ સૌથી લાંબું યુદ્ધજહાજ છે. એ 163 મીટર લાંબું અને 17 મીટર પહોળું છે. એનું વજન 7,400 ટન છે. આ જહાજ પર 50 અધિકારી અને આશરે 300 નાવિક જવાનો તૈનાત કરી શકાશે, રહી શકશે. આ યુદ્ધજહાજના સામેલ થવાથી ભારતીય નૌકાદળની તાકાત અનેકગણી વધી જશે.