મુંબઈઃ શહેરમાં ચોમાસાની ઋતુના વાર્ષિક સરેરાશ 2,547 મિ.મી.નો 31.17 ટકા વરસાદ આજે સવાર સુધીમાં પડી ચૂક્યો હતો. આ વર્ષે મુંબઈમાં ચોમાસું એક પખવાડિયું મોડું બેઠું હતું. સામાન્ય રીતે 10 જૂનથી મુંબઈમાં નૈઋત્યનું ચોમાસું બેસી જાય છે, પરંતુ આ વખતે છેક 25 જૂને બેઠું હતું.
ભારતીય હવામાન કચેરીની સાંતાક્રુઝ ઉપનગરસ્થિત કચેરીના જણાવ્યા મુજબ, શહેરના ઉપનગર વિસ્તારોમાં 15 દિવસમાં 1,043.8 મિ.મી. વરસાદ પડી ચૂક્યો છે. જ્યારે દક્ષિણ મુંબઈના કોલાબા કાર્યાલયના જણાવ્યા મુજબ, શહેરના તળ વિસ્તારોમાં 658.7 મિ.મી. વરસાદ પડ્યો છે. ઉપનગરોમાં વાર્ષિક સરેરાશનો 31 ટકા વરસાદ પડી ગયો છે જ્યારે તળ વિસ્તારોમાં 28.52 ટકા વરસાદ પડ્યાની નોંધ થઈ છે. ઉપનગરોમાં વરસાદની વાર્ષિક સરેરાશ 2,784 મિ.મી. છે જ્યારે તળ વિસ્તારોની સરેરાશ 2,310 મિ.મી. છે.
ગયા વર્ષે આ જ સમયગાળા દરમિયાન ઉપનગરો (સાંતાક્રુઝ)માં 1,106.6 મિ.મી. અને તળ વિસ્તારોમાં 1,015 મિ.મી. વરસાદ પડ્યો હતો.