મુંબઈઃ બોલીવુડ અભિનેતા સલમાન ખાનને ઈમેલ મારફત જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ મુંબઈ પોલીસે બ્રિટનમાં મેડિકલનું શિક્ષણ લેવા ગયેલા એક ભારતીય વિદ્યાર્થી સામે લુકઆઉટ નોટિસ બહાર પાડી છે. તે વિદ્યાર્થીને ભારતમાં પાછો લાવવાની પ્રક્રિયા પોલીસે શરૂ કરી દીધી છે.
તપાસ પરથી માલૂમ પડ્યું છે કે તે વિદ્યાર્થી હરિયાણાનો છે. એ મેડિકલના એક કોર્સમાં ત્રીજા વર્ષનો વિદ્યાર્થી છે. બ્રિટનમાં એનું શૈક્ષણિક સત્ર પૂરું થાય એ પછી, આ વર્ષના અંતમાં તે ભારતમાં પાછો ફરે એવી ધારણા છે. જેલમાં પૂરવામાં આવેલા ગેંગસ્ટર ગોલ્ડી બ્રારના નામે ગયા માર્ચમાં સલમાન ખાનને ધમકીભર્યા સંદેશા આ વિદ્યાર્થીએ મોકલ્યા હોવાની મુંબઈ પોલીસને શંકા છે. પોલીસે હાલમાં જ મુંબઈમાં એક સગીર વયના છોકરાની ધરપકડ કરી હતી, જેણે પોલીસ કન્ટ્રોલ રૂમને ફોન કર્યો હતો અને સલમાન ખાનને મારી નાખવાની ધમકી આપી હતી.
