મુંબઈના ભૂતપૂર્વ મેયર મહાડેશ્વર (63)નું હાર્ટ એટેકથી નિધન

મુંબઈઃ શહેરના ભૂતપૂર્વ મેયર અને શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે જૂથ)ના નેતા વિશ્વનાથ મહાડેશ્વરનું ગઈ કાલે મધરાત બાદ લગભગ બે વાગ્યાની આસપાસ હૃદયરોગનો હુમલો આવવાને કારણે નિધન થયું છે. તેઓ 63 વર્ષના હતા. એમના અંતિમ સંસ્કાર આજે બપોરે બાન્દ્રા ખાતે કરવામાં આવશે.

મહાડેશ્વર પ્રોફેસર હતા. તેઓ 2002માં સૌપ્રથમ મુંબઈ મહાનગરપાલિકામાં નગરસેવક તરીકે ચૂંટાઈ આવ્યા હતા. 2003માં તેઓ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)ની શિક્ષણ સમિતિના અધ્યક્ષ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. ત્યારબાદ 2007 અને 2012માં પણ તેઓ મહાનગરપાલિકાની ચૂંટણી જીત્યા હતા. માર્ચ, 2017થી 2019ના નવેમ્બર સુધી એમણે મુંબઈના મેયર તરીકે ફરજ બજાવી હતી.

ઉલ્લેખનીય છે કે, મહાવિકાસ આઘાડી સરકાર સત્તા પર હતી ત્યારે ભાજપના નેતા કિરીટ સોમૈયા મારપીટ પ્રકરણમાં મહાડેશ્વરની ધરપકડ કરવામાં આવી હતી.